Placeholder canvas

પીપળીયા-રાજ ગ્રામ પંચાયતનું બજેટ નામંજુર થતા વિસર્જન, વહીવટદાર મુકાયા

વાંકાનેર તાલુકાની પીપળીયારાજ ગ્રામ પંચાયત કે જેની ધોરણસરની મુદ્દત તા.૧૮/૦૧/૨૦૨૭ના રોજ પૂર્ણ થનાર હતી. ગ્રામ પંચાયતના સરપંચ સહિત કુલ-૧૧ સભ્યોનું સંખ્યાબળ છે. તેનુ સને ૨૦૨૨-૨૩નું વાર્ષિક અંદાજ પત્ર ૩૧ મી માર્ચ સુધીમાં મંજુર કરવાનું થતું હતું પરંતુ આ મુદ્દતમાં બજેટ નામંજુર થતાં જિલ્લા વિકાસ અધિકારી, મોરબીએ સને ૧૯૯૩ના ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૨૫૩ હેઠળ ગ્રામ પંચાયત વિરૂધ્ધ કાર્યવાહી કરવા દરખાસ્ત કરેલ હતી.

જિલ્લા વિકાસ અધિકારી મોરબીની દરખાસ્ત પરત્વે તા.૦૪/૦૫/૨૦૧૨ થી સરપંચ ગ્રામ પંચાયતને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ -૨૫૩ હેઠળ કારણદર્શક નોટીસ આપી જે કંઇ રજૂઆત કરવી હોય તે ગ્રામ પંચાયતના ઠરાવ સાથે લેખિત ખુલાસો દિન-૧૫ માં મોકલવા જણાવેલ હતું. આ કારણદર્શક નોટીસના અનુસંધાને ખુલાસો કરવા ગ્રામ પંચાયત દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૨ના રોજ બેઠક બોલાવેલ જેની કાર્યવાહી નોંધ મોકલી આપેલ છે, જેના ઠરાવ નં. ૧ થી, ૫ વિરૂધ્ધ ૬ સભ્યોએ અંદાજપત્ર નામંજુર કરવાનો ઠરાવથી નિર્ણય કરેલ છે. આમ ગ્રામ પંચાયતનો ખુલાસો રજુ થતાં તેમજ બજેટ મંજુર કરવા સબંધે ગ્રામ પંચાયતે કોઈ નિર્ણય કરેલ ન હોઈ, અત્રેથી આ અંગેની રૂબરૂ સુનાવણી તા.૨૮/૦૬/૨૦૨૨ના રોજ રાખવામાં આવેલ.

ઉપરોક્ત બાબત અંગેની સુનાવણીમાં જિલ્લા પંચાયતના નાયબ ચિટનીશ, તલાટી કમ મંત્રી, સરપંચ તેમજ ૧૦ સભયો હાજર રહેલ, રૂબરૂ સુનાવણીમાં તલાટી કમ મંત્રીએ જણાવ્યું કે, તા.૨૩/૦૩/૨૦૨૨ તેમજ તા.૩૧/૦૩/૨૦૨૨ની બેઠકમાં ૫ વિરૂધ્ધ ૬ મતે સને : ૨૦૨૨ ૨૩ નું અંદાજપત્ર નામંજુર કરવાનો ઠરાવી નિર્ણય કરેલ છે. જેમની આપને તા.૦૪/૦૫/૨૦૨૨ની કારણદર્શક નોટિસ અન્વયે ગ્રામ પંચાયતની તા.૨૩/૦૫/૨૦૨૨ ના રોજ મીટીંગ બોલાવતાં હાજર રહેલા ૧૧ સભ્યો પૈકી ૫ વિરૂધ્ધ ૬ મતે ફરીથી અંદાજપત્ર નામંજુર કરેલ છે.

સરપંચે લેખિત રજૂઆત કરી જણાવ્યું કે, બજેટનો વિરોધ કરનાર ૬, સભ્યો દ્વારા બજેટ નામંજુર કરવાનાં કોઈ કારણો દર્શાવેલ નથી. તા.૨૦/૦૬/૨૦૨૨ ની ગામસભામાં ઠરાવ નં. ૮ થી ગામ સભાએ બજેટ મંજુર કરવા માંગ કરેલ છે. જ્યારે ઉપસરપંચ તથા ૫ સભ્યોએ લેખિત રજુઆત કરી જણાવ્યું કે, અંદાજપત્ર સાનુકૂળ ન હોઈ, બજેટ નામંજુર કરેલ છે તે બરાબર છે. અમો બહુમતી સભ્યોએ બજેટ મંજુર કરવા માંગતા નથી. કલમ-૨૫૩ અન્વયે કાર્યવાહી કરવા અમે સભ્યો સહમત છીએ.

આદેશ :-
આ તમામ બાબતો અને રજૂઆતોને ધ્યાને લઈને ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર સંદીપ કુમારે આદેશ કર્યો કે…પીપળીયારાજ ગ્રામ પંચાયત વિરૂધ્ધ તેની કસૂર અંગે મૂકવામાં આવેલ આક્ષેપ ઉકત વિગતે પુરવાર થાય છે. જેથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની પીપળીયારાજ ગ્રામ પંચાયતનું ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૨૫૩ ને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૧૬ સાથે વાંચતા કલમ-૨૫૩ હેઠળ મળેલ અધિકારોની રૂએ વિસર્જન કરવા આદેશ કરવામાં આવે છે.

વહીવટદાર મુકાયા :-
પીપળીયા રાજ ગ્રામ પંચાયતનું બજેટ નામંજુર થતા આ ગ્રામ પંચાયતને વિસર્જન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમને અનુસંધાને ગ્રામ પંચાયતના વહીવટ માટે વહીવટદાર તરીકે ડી.એસ.શ્રીમાળી, વિસ્તરણ અધિકારી પંચાયત – ૨, તાલુકા પંચાયત વાંકાનેરને નિમવામાં આવ્યા છે. અને તેમને બીજો હુકમ થતાં સુધી ઉક્ત ગ્રામ પંચાયતના વિસર્જનના સમય દરમ્યાન ઉક્ત ગ્રામ પંચાયતની બધી સત્તાઓ ધારણ કરવાનો અને બધી ફરજો અને કાર્યો બજાવવાનો આથી આદેશ વિકાસ કમિશ્નરે આપેલ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો