Placeholder canvas

વાંકાનેર: મિલપ્લોટમાં રસ્તાના અધૂરા કામ પુરા કરવાનું લોકોએ આપ્યુ અલ્ટિમેટમ

વાંકાનેર : વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષથી રોડનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકોને ભારે તકલીફ પડી રહી છે. તેમજ રોડનું કામ ઢંગધડા વગરનું થતું હોય એ મામલે અનેક રજુઆત કરવા છતાં તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતા અંતે જાગૃત નાગરિકે તંત્ર સામે મોરચો મંડયો છે અને આ રોડનું કામ યોગ્ય રીતે ઝડપથી પૂરું ન થાય તો 12 જુલાઈએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા રાજેશભાઈ બદ્રકિયાએ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેકટર તેમજ પોલીસને રજુઆત કરીને જણાવ્યું હતું કે, વાંકાનેરના વોર્ડ નબર 2માં આવેલ મિલ પ્લોટથી વીસીપરા તરફનો રોડ અને મિલ પ્લોટથી રેલવે સ્ટેશન તરફના રોડનું કામ છેલ્લા અઢી વર્ષથી ચાલી રહ્યું છે. આ રોડનું કામ આજદિન સુધી પૂરું થયું નથી. રોડની કામગીરી એકદમ ધીમી ગતિએ થતી હોય આ રોડનું કામ ક્યારે પૂરું થશે એ નક્કી જ નથી. આટલું ઓછું હોય તેમ આ જાહેર માર્ગમાં ભૂગર્ભ ગટરના ખાડા ખોદીને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે. જેથી, સ્થાનિકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વરસાદમાં ભૂગર્ભ ગટરના ખાડા વધુ જોખમી બની શકે એમ છે. તેથી જાનમાલને નુકસાન પહોંચે તો જવાબદારી કોની? જાગૃત નાગરિકે આ ગંભીર મામલે સંબધિત તંત્રને અનેક વખત રજુઆત કરી હતી. તેમ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. આથી જાગૃત નાગરિકે આ રોડના પ્રશ્ને તંત્રને ઢંઢોળવા તા.12 જુલાઈના રોજ વાંકાનેરની નાયબ કલેકટર કચેરી પાસે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

આ સમાચારને શેર કરો