મોરબી દુર્ઘટનામાં ઓરેવા કંપની કે માલિકનું FIRમાં નામ નથી, 304,308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો
મોરબી માટે ગઇકાલનો સન્ડે ‘બ્લેક સન્ડે’ સાબિત થયો છે. વીકેન્ડને એન્જોય કરવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ સાબિત થઈ છે. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાંમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચીને અનેકની જિંદગી છીનવી લીધી છે. આખરે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ તેમાં પણ મોટો વિવાદ છે. પોલીસ ફરિયાદમાં પુલનું મેઈન્ટેનેન્સ કરનાર એજન્સી સામે 304,308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો છે. પરંતુ ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ લખાયું નથી. બીજી તરફ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો નથી.
બ્રિજ બન્યા બાદ તેનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા ઓરેવાના માલિક જયસુખભાઈ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતાં. પરંતુ આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં જયસુખભાઈ કે તેમની કંપનીનું નામ શુદ્ધાં લખવામાં આવ્યું નથી. ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે હતી અને ગ્રુપના MDએ પુલને ખુલ્લો મુક્યો હતો. ઓરેવા ગ્રુપના જયસુખ ઓધવજી પટેલ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ થઇ રહી છે. કારણ કે, નગરપાલિકા કે વહિવટી તંત્ર પાસેથી કોઇ પણ NoC સર્ટિફીકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મુકી દીધો હતો.
રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર મોરબી સ્તબ્ધ થઈ ગયું હતું. મોતની ચીચીયારીઓની સાથે એમ્બ્યુલન્સની સાયરનોએ ચકચાર જગાવી હતી. હોસ્પિટલોમાં લોકોનું દુઃખદ આક્રંદ જોવા મળતું હતું. ત્યારે રવિવારે રાત્રે પોલીસે જવાબદાર કંપની સામે 304,308 અને 114ની કલમ લગાડીને સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રાત્રે આઠ વાગ્યા પછી ફરિયાદ નોંધી હતી. જેમાં 50 લોકોના મોત અને 150 લોકો ઈજાગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ આ બ્રિજનું મેઈન્ટેનેન્સ કરનાર ઓરેવા કંપની અને તેમના માલિકનું નામ FIRમાં નોંધવામાં આવ્યું નથી. ત્યારે સરકાર જવાબદારોને બચાવી લેવાની ભૂમિકામાં હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર મંજૂરીએ જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાનો ઝૂલતો પૂલ જે અતિ જર્જરિત હાલતમાં હતો. તે સમયે ત્યારે લોકોને વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે તે અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા આ ઝૂલતા પૂલને ફરીથી તેને સ્થાપિત કરવા માટે મેન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવેલી હતી. જે અનુસંઘાન કલેક્ટરની પણ મિટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કીને કરી આ એગ્રિમેન્ટ કરીને તેને સુપ્રત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. જે આધારે 7 માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી એગ્રિમેન્ટ કરી એમને 15 વર્ષ માટે સમારકામ, મેન્ટેનન્સ અને તેના તમામ આનુસંગિક ખર્ચા અને કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે આપવામાં આવેલ હતો. આખરે નગરના કોઈપણ પ્રવાસન સ્થળની જવાબદારી નગરપાલિકાની હોય છે. તો આ દુર્ઘટનામાં નગરપાલિકાના અધિકારીઓ સામે કેમ કોઈ ગુનો નથી નોંધાયો એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.