Placeholder canvas

પોલીસની હાજરીમાં જ ઠેબચડામાં એકની હત્યા

રાજકોટ – ભાવનગર હાઇવે પર આવેલાં ઠેબચડા ગામે પોલીસની નજર સામે હત્યાનો બનાવ બન્યો હતો. વર્ષો જૂના જમીનના ડખ્ખામાં પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો લેવા જતા ગરાસિયા ભાઈઓ પર કોળી પરિવારે ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં ઠેબચડાના ગરાસિયા પ્રૌઢનું ઢીમ ઢાળી દીધું હતું. તેના અન્ય બે પિતરાઈ ભાઈઓ પર પણ ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.

હત્યાના આ બનાવ અંગે આજીડેમ પોલીસે 21 શખ્સો સામે હત્યા, રાયોટ તથા ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. તેમજ 12 આરોપીની અટક કરી લીધી છે.તેમજ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બનાવના પગલે સ્થિતિ વધુ ન વણસે તેને ધ્યાને લઇ ઠેબચડામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ તાબેનાં ઠેબચડા ગામે રહેતા લખધીરસિંહ નવુભા જાડેજા (ઉ.પ7) તથા રાજકોટના કોઠારિયા રોડ પરના નિલકંઠ પાર્કમાં રહેતા પિતરાઈ ભાઈ હરેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા(ઉ.પ0)અને ઠેબચડા ગામે રહેતા પિતરાઈભાઈ બળવતસિંહ બવુભા જાડેજા તથા નારણસિંહ રવુભા સહિતના બપોરના ઠેબચડા ગામે જમીનના કબ્જા માટે આવ્યા હતા. દરમિયાન અહીં 12 જેટલા શખ્સો જમીન પર કબજો જમાવવા આંટાફેરા કરતા હોય પોલીસને જાણ કરવમાં આવી હતી.જેથી આજીડેમ પોલીસ મથકના પી.આઈ સહિતનો સ્ટાફ અહીં આવી પહોંચ્યો હતો.

દરમિયાન ઠેબચડા ગામે રહેતા છગન બીજલ કોળી, મગન બીજલ કોળી, તેનો પુત્ર, છગન – મગનના પુત્રોની પત્નીઓ તેમજ બીજા અજાણ્યા શખસોએ ઝઘડો કર્યો હતો અને આજીડેમ પોલીસ મથકના સ્ટાફની હાજરીમાં જ કોળી પરિવારે ધારિયા – કુહાડી, ધોકા – તલવાર – ત્રિકમ સહિતના હથિયારોથી લખધીરસિંહ, હરેન્દ્રસિંહ અને બળવંતસિંહ અને નારણસિંહ ઉપર હુમલો કર્યો હતો. અને ગંભીર ઈજા થવાથી તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા જ લખધીરસિંહ નવુભા જાડેજા(ઉ.વ 60) નું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.મૃતક લખધીરસિંહ ત્રણ ભાઈઓમાં મોટા હતા. એક ભાઈ ગજુભા રાજકોટ રૂરલ પોલીસ બેડામાં ફરજ બજાવે છે. સંતાનમાં બે પુત્રો છે.

હત્યાના આ બનાવને લઈ ઠેબચડા ગામમાં તંગદીલી વ્યાપી ગઈ હોય ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.બીજી તરફ આ મામલે પોલીસે 12 આરોપીઓની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે વધુ તપાસ પી.આઈ એ.એસ.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો