રાજકોટથી UP જવા વધુ એક ટ્રેન રવાના; સાંજે એક ટ્રેન રતલામ જશે
રેલ મંત્રાલય-રાજ્ય સરકાર ટીકીટ ભાડુ ચૂકવશેનો પરિપત્ર હજુ આવ્યો જ નથી: યુ.પી.ના બલિયા ખાતે જનારી 1171 શ્રમિકોની ટ્રેનમાં મજુરોનું ટીકીટ ભાડુ રામશ્વર મિત્ર મંડળ અને કાનૂડા મિત્ર મંડળે ચૂકવ્યું.
રાજકોટ શહેર અને નજીકના વિસ્તારોમાં વસી ગયેલા દોઢ લાખથી વધુ પરપ્રાંતિયોને તેના વતન મોકલવા માટે જિલ્લા કલેક્ટર તંત્રદ્વારા શરુ કરવામાં આવેલી કવાયત સંદર્ભે આજે વધુ એક શ્રમિક ટ્રેન ઉતરપ્રદેશના બલિયા ખાતે સવારે રવાના કરવામાં આવી હોવાનું અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવતા ઉમેર્યું હતું કે, 1171 ઉતરપ્રદેશના મજૂરોને વતન મોકલવા માટેનું ટીકીટ ભાડુ કાનૂડા મિત્ર મંડળ તેમજ જંકશન વિસ્તારમાં રાહત રસોડુ ચલાવતા રામેશ્વર મિત્ર મંડળ પરિવારે ચૂકવ્યું છે.
રાજકોટ શહેર અને નજીકના વિસ્તારોમાં વસી ગયેલા ઉતરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોના પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવા માટે રાજ્ય સરકારે કરેલા આદેશ બાદ ગઇકાલે એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી હતી. આ ઉપરાંત ગઇકાલે જ 1200 શ્રમિકોનું લીસ્ટ ઉતરપ્રદેશ સરકારે મંજૂર કરતાં આજે સવારે વધુ એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન ઉતરપ્રદેશના બલિયા ખાતે રવાના કરવામાં આવી છે. મજૂરોને સવારે જે તે વિસ્તારમાંથી એકત્રિત કરીને જે તે વિભાગના પોલીસ મથકોનાં ઇન્ચાર્જે ખાસ સિટી બસમાં રેલવે સ્ટેશન લાવ્યા હતા જ્યાં તમામની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
રાજકોટ રેલવે સ્ટેશને આવી પહોંચેલા તમામ મજૂરોને સવારે ચા-નાસ્તો તેમજ 24 કલાકની મુસાફરી હોય સુકો નાસ્તો, પીવાના પાણીની બોટલ સહિતની સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તમામ મજૂરોને આરોગ્ય તપાસ કરીને મેડીકલ સર્ટિફીકેટ આપવામાં આવ્યું છે. આ કામગીરી ગઇકાલ આખી રાત ચાલુ રહી હતી. આ દરમિયાન આજે બપોર બાદ મધ્યપ્રદેશના રતલામ ખાતે વધુ એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવશે.
મધ્યપ્રદેશ સરકારને 1200 મજૂરોનું લીસ્ટ મોકલી આપવામાં આવ્યું છે અને તેની મંજૂરી મળી ગઇ છે. રેલવે તંત્રને પણ આ સંદર્ભની જાણ કરી દેવામાં આવી છે. આજે ઉતરપ્રદેશના બલિયા ખાતે મોકવવામાં આવેલા 1171 મજૂરોનું 8.50 લાખનું ટીકીટ ભાડુ કાનૂડા મિત્ર મંડળ તેમજ જંકશનના ભાટીયા બોર્ડિંગમાં રાહત રસોડુ ચલાવતા રામેશ્ર્વર મિત્ર મંડળ પરિવાર દ્વારા ચૂકવવામાં આવ્યું છે. આ બંને સંસ્થાઓએ તમામ શ્રમિકોને સવારે ચા-નાસ્તો, ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરી આપી છે.
દરમિયાન રાજકોટ જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે આજે સાંજે પણ મધ્યપ્રદેશના રતલામ ખાતે શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવશે જે માટે બપોરે જ તમામ મજૂરોને રેલવે સ્ટેશને લાવવામાં આવશે. બપોરે જમવાનું આપી તમામની આરોગ્ય તપાસ કરી સાંજે આ ટ્રેન રતલામ રવાના કરી દેવામાં આવશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…