skip to content

પાન-ફાકીના કાળાબજારમાં ધરખમ ઉંચા ભાવથી ‘દાનત’ બગડી

રાજકોટ : દેશભરમાં અંદાજીત દોઢ મહિનાથી ચાલતા લોકડાઉનમાં પાન-ફાકી-તમાકુના બંધાણીઓની ગરજનો લાભ લઈને મોટાપાયે કાળાબજાર વચ્ચે નવો ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે જે અંતર્ગત પાન-ફાકી-તમાકુનો ધંધો પોલીસે જ પચાવી લીધો હોવાનો ઘાટ ઘડાયો છે. હોલસેલ વેપારીઓને ટારગેટ બનાવીને માલ મફતમાં પડાવી લઈને ધરખમ ઉંચા ભાવે કાળાબજારમાં વેચવામા કેટલાક પોલીસની જ ભૂમિકા હોવાની ચોંકાવનારી વિગતો છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત પાન-તમાકુના વ્યસનમાં ટોચ પર છે. તમાકુના બંધાણીઓની સંખ્યા લાખોમાં છે. કોરોના સામેની લડાઈ લડવા માટે 24મી માર્ચે પ્રથમ લોકડાઉન જાહેર થયુ ત્યારથી બંધાણીઓની હાલત ખરાબ થવા લાગી હતી. પ્રારંભીક દિવસોમાં હળવાશમાં વ્યસનીઓ દ્વારા જરૂર પુરતો સ્ટોક કરી લેવામાં આવ્યો હતો એટલે થોડા દિવસો આસાનીથી પસાર થઈ ગયા હતા. પરંતુ લોકડાઉન લંબાવવાની સાથે જ તકલીફનો દોર શરૂ થયો અને તેમાં પોલીસની દાનત બગડતા હાલ સમગ્ર ધંધો પોલીસ અથવા તેની સાથે જ સંકળાયેલા લોકોના હાથમાં આવી ગયો છે.

એમ કહેવાય છે કે સોપારી-તમાકુના બંધાણીઓ ગમે તેવા ઉંચા ભાવે- કાળાબજારમાં ખરીદી કરવા લાગ્યા હતા. ભાવ બે થી ત્રણ ગણા કે અમુક કિસ્સામાં તો ચાર-પાંચ ગણા બોલાવા લાગ્યા હતા અને તેમાં પોલીસની દાનત બગડી હતી. તમાકુ-સોપારીના વેપારીઓને ટારગેટ બનાવીને પોલીસે પ્રારંભીક દિવસોમાં ‘ફીટ’ કરવાની ધાકધમકી આપવા સાથે ‘તોડ’ શરૂ કર્યો હતો. હવે પરિસ્થિતિ એવી છે કે વેપારીઓનો માલ જ હવે હડપ કરવાનું શરૂ કરી દીધું છે. દમદાટી આપીને દુકાનો ખોલાવીને માલ જ ઉપાડી જતા હોવાના વધુને વધુ કિસ્સા બનવા લાગ્યા છે.

સૂત્રોના કહેવા પ્રમાણે પાન-સોપારી-તમાકુના મોટા વેપારીઓ મોચીબજાર-જંકશન જેવા વિસ્તારોમાં ઘણા છે. લોકડાઉન એકાએક જાહેર થઈ ગયુ હોવાના કારણોસર તમામ વેપારીઓ પાસે સ્ટોક હોવાનું સ્પષ્ટ છે. પોલીસે તેઓને ટારગેટ બનાવવાનું શરૂ કરી દીધુ હતું. રીતસર વેપારીઓનું લીસ્ટ બનાવી રાખ્યુ હોય તેમ એક પછી એક વેપારીને નિશાન બનાવાય રહ્યા છે.

પોલીસની લુંટફાટ અને ધાકધમકીથી ફફડતા એક વેપારીઓ એવો બળાપો ઠાલવ્યો હતો. ગમે ત્યારે પોલીસ આવી જશે અને માલ પડાવી જશે તેવી બીકથી વિક્રેતાઓ ફફડી રહ્યા છે. મોટાભાગના વેપારીઓએ પોતપોતાના મોબાઈલ પણ બંધ કરી દીધા છે. સાંજના પાંચથી મધરાત સુધીમાં જ પોલીસ ટારગેટ નકકી કરતા રહે છે. વેપારી નજરે ચડે તે સાથે જ તોડ કે માલ હડપમાં શિકાર બની જતા હોવાનો ઘાટ છે.

એમ પણ કહેવાય છે કે લોકડાઉનના સમયગાળામાં માત્ર જંકશન-મોચીબજાર તથા આસપાસના કેટલાંક વિસ્તારના તમાકુ-સોપારીના 100થી વેપારીઓ-ફેરીયાઓ પાસે હજારો-લાખો રૂપિયાનો તોડ થયો છે. વેપારીઓના ધ્યાને ન આવ્યા હોય તેવા કિસ્સા અલગ હશે. અને આવું માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં થઇ રહ્યુ છે.

તમાકુનો વેપાર કરતા એક અન્ય ધંધાર્થીએ નામ નહીં દેવાની શરતે એમ કહ્યું હતું કે ફાકી-તમાકુના ધંધામાં અત્યારે ઘી-કેળા હોવાથી પોલીસે જ વેપલો શરૂ કરી દીધો છે. શહેરના અનેક ભાગોમાં પોલીસ સાથે સંકળાયેલા લોકો જ કાળાબજારમાં ફાકી-બીડી-સિગારેટ-પાનમસાલા જેવી ચીજો વેચી રહ્યા છે. ધંધો રીતસર હડપ થઈ ગયાનો ઘાટ છે. મફતમાં માલ પડાવી કાળાબજારમાં વેપાર થઈ રહ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો