આજથી એક મહિનો મતદારોના નામ કમી, ઉમેરો-સુધારો થઈ શકશે
20 ડિસે., 5 જાન્યુ. અને 12 જાન્યુ. એમ ત્રણ રવિવારે તમામ મતદાર મથકોના ફોર્મ ભરી શકાશે.
આજથી 15-1-2020 સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચુંટણી પંચના આદેશથી શરૂ થયો છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન નવા તેમજ બાકી રહી ગયેલા મતદારોના નામ ઉમેરો, કમી કરવા, સરનામા, અટક, નામ ફેરફાર સહિતની કામગીરી કરવામાં આવશે. આ માટે એક મહત્વની વિડીયો કોન્ફરન્સ ચૂંટણી પંચે યોજી તમામ જિલ્લા મતદાર ચૂંટણી અધિકારીને માર્ગદર્શન આપ્યું હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી એટલે કે 16-12-2019થી 15-1-2020 સુધીનો એક મહિનાનો મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે. 1-1-2020ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારોના નામ મતદાર યાદીમાં અચુક નોંધાવામાં આવે તે માટે શાળા કોલેજોમાં પણ મતદાર યાદી જાગૃતિ કાર્યક્રમ, ફોર્મ વિતરણ તથા ફોર્મ ભરાવવામાં આવશે. મતદાર યાદી કાર્યક્રમ અંતર્ગત આ એક મહિના દરમ્યાન જે મતદારના નામ ઉમેરો, નામ કમી, અટક નામમાં ફેરફાર, સરનામામાં ફેરફાર, વિધાનસભા મત વિસ્તાર બદલી સહિતના ફેરફારો માટેના ફોર્મ ભરી શકાશે.
ચૂંટણી પંચના જણાવાયા મુજબ આ એક મહિના દરમ્યાન 20 ડીસે. 5 જાન્યુ. 12 જાન્યુ એમ ત્રણ રવિવારે રાજયના તમામ મતદાર મથકોએ સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી આ મતદાન મથકના બુથ લેવલ ઓફિસરે હાજર રહે. મતદાર પોતાના જરૂરી ફેરફારો માટે મતદાન મથકોએ જઈ પંચ દ્વારા નકકી કરાયેલ ફોર્મ ભરીને બુથ લેવલ ઓફીસર સમક્ષ આપી શકશે. આ તમામ ફોર્મની ડેટા એન્ટ્રીઓ સાથો સાથ શરૂ કરવામાં આવશે. આ એક મહિના દરમ્યાન તમામ મામલતદાર કચેરી તેમજ જિલ્લા કલેકટર કચેરીમાં પણ ફોર્મ રજુ કરી શકાશે. ચુંટણી પંચ દ્વરા ભૂલ વગરની અને અપ ટુ ટેઈટ મતદાર યાદી ફેબ્રુઆરી માસમાં આખરી પ્રસિધ્ધિ કરાશે.