સરકારની જાહેરાત : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ,પરિક્ષા ફરીથી લેવાશે.

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાના અહેવાલો બાદ સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન (SIT)ના રિપોર્ટ બાદ ગુજરાત સરકારનો નિર્ણય….

અમદાવાદ : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાના અહેવાલો બાદ સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનના રિપોર્ટ બાદ ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની FSL દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને અને ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં જોઈને જવાબો લખતા જોવા મળ્યા હતા. પેપરલીક કરવામાં સંડોવાયેલા શખ્સો સામે ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાશે. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ તપાસમાં જોડાશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવી હતી, એ દરમ્યાન મોટાપાયે ગેર રીતિના કિસ્સાઓ બહાર આવ્યા હતા. જે બાબતે ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષ દ્વારા પરીક્ષામાં થયેલ ગેરરીતિ બાબતે સરકારને વિડીયો ક્લિપ્સ, સીસીટીવી ફૂટેજ સહીતના પુરાવાઓ રજૂ કર્યા હતા, જેને કારણે સરકાર ભીંસમાં મુકાઈ હતી. ઉમેદવારોના ઉગ્ર વિરોધને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એસ.આઈ.ટી.ની રચના કરવાની જાહેરાત કરી હતી જેની તપાસ 10 દિવસ માં પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી.

આ અંતર્ગત એસ.આઈ.ટી.ના ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઈ જી મયંકસિંહ ચાવડા, આઈબીના વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગના સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરાયો હતો. એસ.આઈ.ટી.ની રચના બાદ પ્રથમ બેઠકમાં ગૌણ સેવાની પરીક્ષા રદ કરવાની માંગ કરવા સાથે આંદોલન કરી રહેલા યુવરાજસિંહ અને તેના ગૃપે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ રેકોર્ડિંગ, અને પેપર લીક અંગેના પુરાવા રજૂ કર્યા હતા. જેની તપાસ એફ.એસ.એલ.ને એસ.આઈ.ટી. દ્વારા સોંપવામાં આવી હતી. આજે બીજી વખત સીટની મળેલ બેઠકમાં એફ.એસ.એલ.ના નિષ્ણાતોને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો