Placeholder canvas

જૂની પેન્શન યોજના લાગુ કરવા કોઈ દરખાસ્ત નથી:કેન્દ્ર સરકાર

ગુજરાત સહિતની ધારાસભા ચૂંટણી સમયે વિપક્ષ દ્વારા જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માટેના ચૂંટણી વચનો અપાયા હતા અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે તા.18 નવે. 2022ના એક નોટીફીકેશનથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે જાહેરનામું પણ બહાર પાડી દીધુ છે.

હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના વચનથી જ સતા પર આપનાર કોંગ્રેસ પક્ષની સરકાર માટે પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાનો પડકાર છે તે સમયે ગઈકાલે સંસદમાં કેન્દ્રના નાણા રાજયમંત્રી ભગવત કરાડે એક લેખિત જવાબમાં જણાવ્યું કે દેશમાં જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા કોઈ દરખાસ્ત નથી. જૂની પેન્શન યોજનાના સ્થાને 2004 બાદ જે કેન્દ્ર તથા રાજયના કર્મચારીઓને નોકરી આપવામાં આવી છે તેઓ માટે નવી પેન્શન યોજના (પેન્શન ફંડ) દાખલ કરવામાં આવી છે.

જૂની પેન્શન યોજનાથી કેન્દ્ર અને રાજયો પર પેન્શન ચૂકવવાનો તગડો બોજો દર વર્ષે વધતો જતો હતો જેમાં કોઈપણ સરકારી કર્મચારી નિવૃત થાય એટલે તેને છેલ્લે જે પગાર તેણે મેળવ્યો હોય તેના 50% રકમ પેન્શન મેટે મળે છે પણ નવી પેન્શન યોજનામાં નેશનલ પેન્શન સીસ્ટમ હેઠળ પેન્શન યોજના કોન્ટ્રીબ્યુટરી છે જેમાં નિવૃતિ બાદ કર્મચારીને બજારના વ્યાજદર આધારીત વળતર મુજબ નાણા પરત મળે છે.

કેન્દ્રના નાણા રાજયમંત્રી એ જણાવ્યું હતું કે રાજસ્થાન, છતીસગઢ અને ઝારખંડની રાજય સરકારોએ કેન્દ્ર સરકાર, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીને તેઓ તેમના કર્મચારી માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા જઈ રહ્યા છે તેવી જાણ કરી છે.

જો કે પેન્શન ફંડ રેગ્યુલેટરીએ સ્પષ્ટ જવાબ આપ્યો છે. નવી નેશનલ પેન્શન સીસ્ટમમાંથી બહાર જવાનો કે તેમાં જે નાણા જમા છે તેને પરત મેળવવા અથવા પાછા ખેચી લેવાનો કોઈ જોગવાઈ જ નથી. ઓથોરીટીએ આ યોજના હેઠળ કર્મચારી ફાળા તથા સરકારના યોગદાનના જે નાણા મેળવ્યા છે તે નેશનલ પેન્શન સીસ્ટમમાં રોકાણ કર્યા છે જેથી આ નાણા સંબંધીત રાજય સરકારોને પરત આપવી શકાય તેવી પણ જોગવાઈ નથી.

આ સમાચારને શેર કરો