Placeholder canvas

ફિલ્ડમાર્શલ વાળા ચંદ્રકાંતભાઇ પટેલનું અવસાન, સાંજે રાજકોટમાં અંતિમયાત્રા

રાજકોટ: રાજકોટના ટોચના ઉદ્યોગપતિ ચંદ્રકાંત પટેલનું અવસાન થયું છે. ચંદ્રકાંત પટેલ ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્વ.પોપટ પટેલના મોટા પુત્ર હતા. ઓઇલ એન્જિન ક્ષેત્રે ફિલ્ડ માર્શલ ગ્રુપનું મોટું નામ હતું. ચંદ્રકાંત પટેલનું નિધન થતાં રાજકોટના ઔદ્યોગિક જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઓગસ્ટ મહિનામાં જ પોપટભાઈ પટેલનું અવસાન થયું હતું

આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ ઓઇલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્થાપક પોપટભાઈ પટેલનું અવસાન થયું હતું. ઓઇલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા અને ફિલ્ડ માર્શલ ગ્રુપના પોપટભાઈ પટેલનું 86 વર્ષે અવસાન થયું હતું. જાપાનમાં એક ઉદ્યોગપતિ તરીકે જનારા તેઓ પ્રથમ ભારતીય હતા. સાથે જ વર્ષ 1963માં પી. એમ ડીઝલની સ્થાપના પણ તેઓએ કરી હતી. એટલું જ નહીં, પોતાના અંતિમ સમય સુધી તેઓ ટેક્સ પેયર રહ્યા છે. વર્ષ 1997માં તેઓએ પોતાનો વ્યક્તિગત ઇન્કમટેક્સ ત્રણ કરોડ રૂપિયા ભર્યો હતો. આમ દેશની તિજોરીને પણ વફાદાર રહીને તેને છલકાવવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે.

ચંદ્રકાંતભાઇ પોપટભાઇ પટેલનું પોંડિચેરી ખાતે અવસાન થયા બાદ આજે સાંજે રાજકોટ ખાતેના તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. સૌરાષ્ટ્ર યુનિ. રોડ પર નીલ સીટી કલબ પાસે આવેલા ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ ખાતે બપોરે તેમનો પાર્થિવદેહ પહોંચ્યો હતો.

આ બાદ સાંજે પાંચ વાગ્યે સ્મશાનયાત્રા મોટા મવા સ્મશાન ખાતે જશે. જયાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે તેવું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સ્વ.પોપટભાઇ પટેલના મોટા પુત્ર ચંદ્રકાંતભાઇ પટેલ પોંડિચેરી ખાતે તેમના પત્ની કીર્તિબેન સાથે લગ્નપ્રસંગમાં ગયા હતા. ત્યાં જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો જે જીવલેણ નીવડયો હતો.

તેમના પરિવારમાં પત્ની ઉપરાંત પુત્રી પ્રાંચી, નાના ભાઇ નીતિનભાઇ, દિપકભાઇ, બહેન શોભનાબેન છે. ચંદ્રકાંતભાઇએ રાજ બેંકમાં ચેરમેન તરીકે સેવા આપી હતી અને પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓમાં અને કન્યા કેળવણીમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આજે બપોરે તેમનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચે તે બાદ સાંજે અંતિમયાત્રા નીકળશે.

આ સમાચારને શેર કરો