Placeholder canvas

રાજયમાં હવે ફેમીલી આઈડી કાર્ડ આવશે: પ્રી-પેઈડ વિજ મીટર સ્થાપીત થશે.

આજથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભામાં આવતીકાલના બજેટ ઉપરાંત અનેક મહત્વના ખરડાઓ રજુ થનાર છે જે આગામી સમયમાં રાજયમાં રેશનકાર્ડથી લઈને વિજબીલ કલેકશન સુધીની વ્યવસ્થાને બદલી નાખશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે એક તરફ સરકારી યોજનાઓમાં જે લીકેજ થાય છે તે દુર કરવા મહત્વના નિર્ણય કર્યા છે.

તો બીજી તરફ કૃષી જમીન અંગે હાલ જે અનેક બિનજરૂરી જોગવાઈઓ છે તેને દુર કરીને આ કાનૂનની પ્રક્રિયા સરળ બનાવવાની કામગીરી હાથ ધરી છે. કૃષિની જમીનમાં બિનખેતી કરાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર પણ થાય છે તેને પણ ડામવા માટે આ કાનૂનમાં વ્યાપક સુધારા થશે.

રાજય સરકાર આ સત્રમાં મહત્વના 11 ખરડાઓ રજુ કરવા માંગે છે પણ હજુ અનેક કાનૂન વિભાગ પાસે પ્રક્રિયાઓ મૌજૂદ છે તેથી તે વર્તમાન સત્રમાંજ રજુ કરીને મંજુર કરી શકાશે કે કેમ તે પ્રશ્ર્ન છે.

સૌથી મહત્વનું રાજય સરકાર ફેમીલી આઈડી બિલ લાવવા માંગે છે. સરકારી યોજનાઓના લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચે અને તેમાં ખાસ કરીને જે વ્યાપક લીકેજ છે તે રોકવા માટે વિવિધ યોજનાઓના લાભો માટે હવે એક ફેમીલીકાર્ડ ઈસ્યુ કરાશે. જે હાલના રેશનકાર્ડ, મુખ્યમંત્રી અમૃતમ હેલ્થકાર્ડ અને કૃષિ સહિતના ક્ષેત્રોમાં જે વિવિધ કાર્ડ ઈસ્યુ કરાયા છે તે તમામ એક ફેમીલી કાર્ડમાં આવી જશે અને વ્યક્તિગત લાભાર્થી નહી પણ સમગ્ર કુટુંબ લાભાર્થી હશે જેમાં અલગ અલગ યોજનાઓના લાભો વ્યક્તિગત અને કૌટુંબિક રીતે મેળવી શકાશે.

બીજો મહત્વનો ખરડો એ ઈલેકટ્રીસીટી ડયુટી બિલ છે. એક તરફ સરકાર હવે સ્માર્ટ વિજ મીટર પ્રથમ અમલી બનાવી રહી છે જેમાં પ્રી-પેઈડ વિજ મીટર સ્થાપીત થશે. મોબાઈલની જેમ રીચાર્જ કરાવીને જેટલું બેલેન્સ હશે. તેટલો વિજપુરવઠો વાપરવા મળશે. વિજમીટરમાં વ્યાપક ગેરેન્ટી-વિજચોરી થાય છે જેના કારણે વિજ કંપનીઓ મોટી નુકશાનીમાં રહે છે.

સરકારે એક તરફ લાઈન લોસ અટકાવવા માટે ભૂગર્ભમાં વિજકેબલ નાખવા સહિતની કામગીરી શરૂ કરી છે તો હવે આગામી દિવસમાં વિજ બીલ પછી તે ઔદ્યોગીક હોય ડોમેસ્ટીક તેની ઉપરથી રાજયના કોમર્શિયા ટેક્ષ વિભાગ કરશે. હાલ જીએસટી સહિતના સરકારી વેરાની ઉઘરાણી આ વિભાગ કરે છે તેમને હવે વિજ બિલની ઉઘરાણી પણ સોપી દેવાશે.

સરકાર વહીવટી કામગીરીનું એક સરળીકરણ અને નવીનીકરણ કરી રહી છે તેના ભાગરૂપે આ કવાયત હાથ ધરાઈ છે. આમ ગુજરાત હવે વહીવટી સરળતામાં પણ દેશનું મોડેલ બની રહેશે તેવા સંકેત છે.

આ સમાચારને શેર કરો