ગાંધીનગરમાં આંદોલનની વકી, સચિવાલયના બે ગેટ બંધ કરાયા
ગાંધીનગર: રાજ્યમાં તલાટી પરીક્ષા મુદ્દે SC/ST અને OBC અને હવે સર્વણ મહિલાઓ આમને-સામને આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રના કારણે ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. અગાઉ ગઈ કાલે બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ફરી વિરોધ પ્રદર્શન થવાના છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સચિવાલયના ગેટ નંબર 6 અને 7ને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આજે સવારથી જ ગાંધીનગર ખાતે આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને સચિવાલયના ગેટ નંબર 6 અને 7 પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આંદોલનકરીઓ હાલ વિસ્ટા ગાર્ડન અને સત્યાગ્રહ છાવણી ખાતે સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જો આ પ્રદર્શન સ્થળ ગેટ નંબર 6 અને 7ની નજીક આવેલુ હોવાના કારણે તકેદારીના ભાગ રૂપે સચિવાલયના તે બે ગેટ બંધ રાખવામાં આવ્યા છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે, વિધાનસભા અને સચિવાલયમાં કોઈપણ પ્રકારનો વિરોધ ના થાય અને કોઈ પણ વ્યક્તિ પ્રવેશી ના શકે તેના માટે સુરક્ષાની દ્રષ્ટિએ ગેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા પથિકાશ્રમથી કલેક્ટર ઓફિસ સુધીની કૂચ કરવામાં આવી હતી. જે બાદ સત્યાગ્રહ છાવણીથી રાજભવન સુધી કૂચ કરવાનું આયોજન હતું. જો કે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.