Placeholder canvas

પતિની હત્યા કરી પત્નિએ લાશનું પોટલું તળાવમાં નાખી દીધું

રાજકોટ: પડધરીના થોરીયાળી ગામે પતિની હત્યા કરી પત્નીએ લાશનું પોટલું તળાવમાં નાખી દીધું હતું. ગભરાયેલી પત્નીએ અંતે જ્યાં ખેત મજૂરી કરતી હતી તે વાડીના માલીકને જાણ કરતા મામલો સામે આવ્યો હતો. પડધરી પીએસઆઇ જી.જે. ઝાલા તેમની ટીમ સાથે થોરિયાળી દોડી ગયા હતા. મૃતદેહ તળાવમાંથી કાઢી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો. પોલીસ સકંજામાં રહેલી પત્નીએ કબૂલાત આપી હતી કે, તેને 6 બાળકો છે, ઘર ચલાવવા બાબતે અવારનવાર ગૃહકલેશ થતો હતો. બનાવ વખતે બંન્ને વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવી હાથમાં રહેલું દાંતરડું ગળામાં મારી દેતા પતિ ત્યાં જ ઢળી પડ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, મૃતકનું નામ જુરલો ઉર્ફે દિલો કેનતા પચાયા છે. તે મૂળ ઘુસબેડા તા. જાંબવા અલીરાજપુર, મધ્યપ્રદેશનો વતની હતો. આરોપી પત્નીનું નામ આશા બામણિયા છે. બંને પતિ-પત્ની પોતાના છ સંતાનો સાથે થોરીયાળી ગામે બાબુભાઈ રવજીભાઈ કોટડીયાની વાડીમાં રહેતા અને ખેત મજૂરી કરતા હતા. અહીં વાડીના શેઢે તળાવ નજીક જ પોતાની ઝુંપડી બનાવી હતી તેમાં પરિવાર રહેતો હતો.

ગઈકાલે સાંજે ખેડૂત બાબુભાઈ કોટડીયાએ પોતાની વાડીમાં કામ કરતા શ્રમિક દિલો પચાયાની લાશ તળાવમાં પડી હોવાની જાણ પડધરી પોલીસને કરી હતી. જેથી પીએસઆઈ ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે દોરડાથી બાંધેલા મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. શરીર પર ઇજાની નિશાન સાથેના મૃતદેહને પીએમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો.

પોલીસે પત્ની આશાબેનને પૂછપરછ કરતા તપાસમાં ભાંગી પડતા ગત રાત્રે બંને વચ્ચે માથાકૂટ થતા જેમાં ઉશ્કેરાયેલી પત્ની આશાબેને દાંતરડા વડે ઢીમ ઢાળી દઈ મોતને ઘાટ ઉતારી લાશને દોરડા વડે બાંધી તળાવમાં ફેંકી દીધાની કબૂલાત આપી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપી પત્નીની ધરપકડ કરવા તજવીજ કરી છે.

આ સમાચારને શેર કરો