Placeholder canvas

કોંગ્રેસનો આરોપ: ગુજરાતની મોટાભાગની કોવિડ હોસ્પિટલો બંધ હોટલમાં ચાલે છે.

પ્રમુખ અશોક ડાંગર સહિતના નેતાઓની પત્રકાર પરિષદમાં સટાસટી

રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી કરૂણ આગ દુર્ઘટનાના પડઘા દિલ્હી અને સુપ્રિમ કોર્ટ સુધી પડયા છે. ત્યારે આજે વિરોધ પક્ષ કોંગ્રેસે મહાપાલિકામાં પત્રકાર પરિષદ યોજીને સરકારી તંત્રો સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. ગુજરાતની મોટાભાગની કોવિડ હોસ્પિટલો બંધ હોટલમાં ચાલે છે.

ફાયર એનઓસી આપવાની કાર્યવાહી પૂર્વે કોઇ તપાસ કરવામાં આવતી નથી અને હોસ્પિટલોને મંજૂરીમાં પણ સરકાર કક્ષાએથી રાજકીય દબાણ કરાવવામાં આવે છે તેવું શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતના નેતાઓએ જણાવ્યું હતું. ભાજપ આગેવાનની હોટલમાં કોવિડ હોસ્પિટલ ખોલ્યા બાદ જ એક ટ્રસ્ટની હોસ્પિટલને મંજૂરી અપાઇ હતી તો ઉદય હોસ્પિટલના માલિક તો ભાજપના ડોકટર સેલના હોદ્દેદાર પણ હોવાથી આ રીતે મંજૂરીઓ અપાઇ હોવાનો કોંગ્રેસનો આરોપ છે.

તો અવારનવાર બનતા આવા બનાવ છતાં સરકાર કંઇ શીખવા માંગતી નથી અને કોઇ સુધારા પણ કરતી ન હોય સદંતર નિષ્ફળ સરકાર છે. ગઇકાલે મધ્યરાત્રીએ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગી હતી જેમાં કુલ 33 દર્દીઓ દાખલ હતા અને આ હોસ્પિટલના આઇસીયુમાં 11 દર્દીઓ સારવાર મેળવી રહ્યા હતા અને 22 દર્દીઓ જનરલ વોર્ડમાં કોવીડ-19ની ટ્રીટમેન્ટ મેળવી રહ્યા હતા.

આ બનાવ બન્યો ત્યારે આઇસીયુમાં રહેલા 11 દર્દીઓમાંથી 5 દર્દીઓ પૈકી રામશીભાઈ, નીતિનભાઈ બદાણી, રસિકલાલ અગ્રવાલ, સંજયભાઈ રાઠોડ અને કેશુભાઈ અકબરીનું આગ લાગવાથી મૃત્યુ થયું હતું તેમજ બાકીના દર્દીઓને ગોકુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈજવામાં આવ્યા હતા. પીજીવીસીએલનું 11 કેવી નું કનેક્શન ગેરકાયદેસર રીતે મેળવેલું હતું કે કેમ ? જેની તપાસ થવી જોઈએ. 11 કેવીનો લોડ ઉપાડી શકે તેવું વાયરિંગ હતું કે કેમ ? તેનો જવાબ પણ કોંગ્રેસે માંગ્યો છે.

ઉદય શિવાનંદ મિશનના ટ્રસ્ટીઓ દ્વારા જણાવ્યા મુજબ કોવીડ હોસ્પિટલ ખોલવા માટે કલેકટરએ અમોને પ્રેશર કરેલ અને તે પણ ગોકુલ હોસ્પિટલને જ આપવી તેવું ટ્રસ્ટીએ જણાવેલ છે તો કલેકટર ઉપર સરકારમાંથી કોનું પ્રેસર આવ્યું ? તેવું સ્પષ્ટતાપૂર્વક કલેકટર જણાવે અને આવી જ રીતે દોશી હોસ્પિટલને અને તેના ટ્રસ્ટીઓને જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલની સામેની ભાજપના આગેવાનની જ હોટેલમાં કોવીડ હોસ્પિટલ ખોલવા અમો મંજૂરી આપીશું ત્યારબાદ જ દોશી હોસ્પિટલને મંજૂરી આપેલ હતી. ગોકુલ હોસ્પિટલના ડોક્ટર/માલિક એ ભાજપના ડોક્ટર સેલના હોદ્દેદાર છે તેથી આ બંને હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવેલી હતી.

ઘટના અનુસંધાને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ડો.હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી પ્રદીપભાઈ ત્રિવેદી, અશોકસિંહ વાઘેલા સહિતના તાબડતોબ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને પુરા બનાવની જાણકારી મેળવી તેમજ દર્દીઓને સારવાર આપવામાં કોઈપણ કચાસ ન રહે અને દર્દીઓને તમામ પ્રકારની સારવાર ફ્રી આપવાની માંગણી કરી છે. જે દર્દીઓના મૃત્યુ થયા છે તે તમામ દર્દીઓને 25 લાખ રૂપિયા મુખ્યમંત્રી ફંડમાંથી આપવાની માંગણી પણ કરી છે.

આ સમાચારને શેર કરો