Placeholder canvas

અગ્રસચિવ એ.કે.રાકેશ રાજકોટમાં; દુર્ઘટના સ્થળની તપાસ; બે દિવસમાં રિપોર્ટ 

રાજકોટ : રાજકોટના મવડી વિસ્તારના આનંદ બંગલા ચોક પાસે આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પીટલમાં ગુરુવારે રાત્રે 1 વાગ્યે લાગેલી ભીષણ આગની દુર્ઘટનાના પગલે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તપાસના આદેશ છોડીને આ દુર્ઘટનાની તપાસ અગ્રસચિવ એ.કે.રાકેશને સોંપી દીધી છે જેના પગલે આજે બપોરે અગ્રસચિવ એ.કે.રાકેશ રાજકોટ દોડી આવ્યા છે અને સીધા દુર્ઘટનાગ્રસ્ત શિવાનંદ હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા.

તેમની સાથે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન, કોરોના નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા તેમજ અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયા પણ જોડાયા હતા અને દુર્ઘટનાગ્રસ્ત હોસ્પીટલની પરિસ્થિતિ નિહાળી આગ કઈ રીતે લાગી તે સંદર્ભની તમામ વિગતો અગ્રસચિવ એ.કે.રાકેશે મેળવી હતી.

રાજકોટના આનંદબંગલા ચોક પાસે આવેલી ઉદય શિવાનંદ હોસ્પીટલના આઈસીયુમાં ઓકસીજન પ્લાન્ટમાં ગુરુવારે રાત્રે 1 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ હોસ્પીટલમાં 33 કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી જે પૈકીના 11 દર્દીઓને આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. આઈસીયુ વોર્ડમાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી હોવાના પ્રાથમીક તારણો મળ્યા છે તે વચ્ચે આગ ભયાનક રીતે ટુંકાગાળામાં પ્રસરી ગઈ હતી અને વધુ જાનહાની નિવારી શકાય તે પુર્વે પાંચ કોરોના પોઝીટીવ દર્દીઓ આગમાં ભડથુ થઈને મૃત્યુ પામ્યા હતા.

આ ઘટનાના પગલે આજે અગ્રસચિવ એ.કે.રાકેશ રાજકોટ દોડી આવ્યા છે. એ.કે.રાકેશે શિવાનંદ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન જે સ્થળેથી આગ લાગી તે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું. હોસ્પિટલ સતાવાળા તેમજ ફાયર બ્રિગેડના અધિકારી અને મહાનગરપાલિકાના કમિશ્નર ઉદીત અગ્રવાલ પાસેથી આગ કઈ રીતે લાગી તેની પ્રાથમીક વિગતો મેળવી હતી. સાથોસાથ હોસ્પીટલ પાસે ફાયર એનઓસી તેમજ બચાવ રાહતના તમામ સાધનો ઉપલબ્ધ હતા કે કેમ તે સંદર્ભની વિગતો અગ્રસચિવ એ.કે.રાકેશે મેળવી હતી અને એફએસએલ રિપોર્ટ તાત્કાલીક મળી જાય તે સંદર્ભની સૂચનાઓ આપી હતી.

દરમ્યાન અગ્રસચિવ એ.કે.રાકેશની શિવાનંદ હોસ્પિટલ ખાતેની સ્થળ તપાસ દરમ્યાન તેમની સાથે કોરોના નોડલ અધિકારી ડો. રાહુલ ગુપ્તા જોડાયા હતા અને જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ સાથે પણ એ.કે.રાકેશે આગની દુર્ઘટના સંદર્ભની ચર્ચાઓ કરી હતી. શિવાનંદ હોસ્પિટલમાં એન્ટ્રી અને એકઝીટના અલગ અલગ દરવાજાઓ હોવા છતાં પણ જાનહાની કેમ થઈ તે સંદર્ભની વિગતો પણ મેળવી હતી. અગ્રસચિવ એ.કે.રાકેશે ત્યારબાદ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કોરોના પોઝીટીવ દર્દીઓના સજજનોની પણ મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી પણ તમામ વિગતો મેળવી હતી.

મૃતકના પરિવારજનોને અગ્રસચિવ એ.કે.રાકેશે સાંત્વના આપી હતી. આ ઘટનાની ઉંડી તપાસ કરવામાં આવશે અને કોઈપણ ક્ષતિ હશે અને ગમે તેવા ચમરબંધીઓની સંડોવણી હશે તો તેમને છોડવામાં નહી આવે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગની દુર્ઘટના કઈ રીતે થઈ છે તેનો અહેવાલ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ અગ્રસચિવ એ.કે.રાકેશે જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો