Placeholder canvas

મોરબી: ધોળે દિવસે બંદૂકના નાળચે લૂંટ કરનાર બન્ને આરોપીને પોલીસે દિલ્હીથી દબોચ્યા

મોરબી : મોરબીના ચકચારી લૂંટ પ્રકરણનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. એલસીબીએ આરોપીઓ તેના જાણીતા વ્યક્તિ સાથે અસ્થિ વિસર્જન કરવા ગયા હોવાની માહિતી મળતા આરોપીઓનું લોકેશન મેળવીને દિલ્હી પોલીસની મદદથી બન્ને આરોપીઓને દિલ્હીથી પકડી પાડ્યા છે. જો કે હાલ આરોપીઓનો કબજો દિલ્હી પોલીસ પાસે હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.

મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક લીલાલહેર પાસે ભરબપોરે નંબરપ્લેટ વગરના મોટર સાયકલ ઉપર ઘસી આવેલા બે શખસોએ રોકડ લઈને જઈ રહેલા વસંતભાઈ ગંગારામભાઈ બાવરવા નામના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી. આ દરમિયાન વસંતભાઈને ઇજા પણ પહોંચી હતી. બનાવ મામલે ફરિયાદ નોંધીને પોલીસે જુદી જુદી 7 ટીમોને કામે લગાડી તપાસ આદરી હતી.

આ બનાવ અંગે એલ.સી.બી. ટેકનીકલ ટીમ દ્વારા બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ મેળવી મોરબી તથા આજુબાજુના વિસ્તારમાં આવેલ ગામડાઓ તેમજ આસપાસના તાલુકાઓમાં તથા અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો અંગે માહીતી મેળવી તેમજ આરોપીનો ફોટો બતાવી તેમજ ટેકનીક માધ્યમ, હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા લુંટ કરનાર બન્ને આરોપીઓ અંગે હકિકત મેળવવા સઘન તપાસ કરી હતી.

આ દરમ્યાન એલ.સી.બી. મોરબીના પો.હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને હ્યુમન સોર્સીશ મારફતે હકિકત મળેલ કે, લુંટ કરનાર તેમજ વીડીયોમાં દેખાતા બન્ને ઇસમો જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ રહે. બંગાવડી તા.ટંકારા જી.મોરબી તથા સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત રહે હાલ સુરત મુળ યુ.પી.વાળાઓ છે. તેમજ બન્ને આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે હોવાની હકીકત મળેલ હોય જેથી ઉપરોકત બન્ને આરોપીઓ અંગે ઇગુજકોપમાં સર્ચ કરતા આરોપી સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત વાળો અગાઉ સુરત તેમજ લીંબડી ખાતે લુંટ મારામારીના ગુનાઓમાં પકડાયેલ હોવાની હકિકત મળી હતી. આ સાથે તુરંત બે ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે તપાસ અર્થે મોકલતા કાળુભાઇ ભુપતભાઇ રોજાસરાને મળી તેને લુંટ અંગેનો વીડીયો બતાવી પૂછપરછ કરતા લુંટના ગુનામાં દેખાતા બન્ને ઇસમો જયદિપ ઉર્ફે લાલો નાનજીભાઇ પટેલ તથા સંદિપ ઉર્ફે સેન્ડી રાજપુત વાળા હોવાનું અને આ બન્નેને પોતે સારી રીતે ઓળખતો હોવાનુ તેમજ તેઓ બન્ને અવાર નવાર પોતાના ઘરે આવતા જતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેઓએ જણાવ્યું કે બનાવમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ વીરમભાઇ રતાભાઇ કોળી રહે. લુણા ગામ તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાનુ છે.

બાદમાં બન્ને ટીમોએ લુણા ગામે તપાસ કરતા વીરમભાઇ રતાભાઇ કોળી મળી આવતા તેને વીડીયો બતાવી તેમજ બનાવ સબંધી પુછપરછ કરતા તે પણ તેઓ બન્નેને ઓળખતો હોવાનું જણાવેલ હતું. વધુમાં તેમના રહેણાંક મકાનેથી ગુનામાં ઉપયોગ થયેલ મોટર સાયકલ મળી આવેલ હતું. બન્ને આરોપીઓ બાબતે પુછપરછ કરતા બન્ને આરોપીઓ પોતાના ઘરે આવેલ હોવાનું અને હાલે તેઓ બન્ને અસ્થિ વિસર્જન માટે પોતાના કાકા કાનજીભાઇ તથા હરજીભાઇ સાથે બસમાં બેસી હરિદ્વાર ખાતે ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

બન્ને આરોપીઓ અંગે ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા હકિકત સાચી હોવાનું જણાઇ આવતા તુરત જ એનબી.ડાભી પો.સબ.ઇન્સ. સાથે એલ.સી.બી. મોરબીની ટીમ બનાવી દિલ્હી, હરિદ્વાર ખાતે રવાના કરવામાં આવેલ હતી. જે ટીમ હરિદ્વાર પહોંચેલ ત્યારબાદ આરોપી તેમજ તેઓની સાથે રહેલ બન્ને ઇસમો અંગે ટેકનીકલ માધ્યમથી તપાસ ચાલુ રાખેલ હતી. દરમ્યાન તેઓ ચારેય દિલ્હી નજીક પહોંચેલ હોવાનું જણાઇ આવતા એલ.સી.બી. ટીમના માણસો તાત્કાલીક દિલ્હી પહોંચેલ અને તુરત જ સ્પેશ્યલ સેલ દિલ્હીનો સંપર્ક કરી તેઓને આ ગુનાની મદદ માટે આરોપીઓના ફોટોગ્રાફ તેમજ વીડીયો બતાવી સાથે રાખેલ હતી. જે દરમ્યાન ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ રહે. બંગાવડી તા.ટંકારા જી.મોરબી તથા (૨) સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત રહે હાલ સુરત મુળ નારીબારી તા. થાણા. શંકરગઢ જી.અલ્લાહબાદ- પ્રયાગરાજ (યુ.પી.) વાળાઓને ISBT કાશ્મીરી ગેટ રીંગરોડ, વઝીરાબાદ દિલ્હી ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા.

બન્ને આરોપીઓની ઝડતી તપાસ દરમ્યાન આ ઉપરોકત લુંટના ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર તેમજ રોકડા રૂપીયા મળી આવતા દિલ્હી પોલીસ દ્વારા બન્ને આરોપીઓ વિરૂધ ગે.કા. હથિયાર અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે બન્ને આરોપીઓનો કબજો મેળવવા અંગેની કાર્યવાહી ચાલુ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો