skip to content

રેલી રદ: મોરબીમાં કોંગ્રેસની મૌન રેલીને તંત્રએ મંજૂરી ન આપી

મોરબી : મોરબી શહેરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખના ઘર ઉપર ભાજપના ઈશારે સરાજાહેર હુમલો કરવાની ઘટનાના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા છેલ્લી ઘડી સુધી રેલીને મંજૂરી આપવામાં ન આવતા અંતે આ રેલી રદ્દ કરવામાં આવી હતી.

રેલીના આયોજન અંગેનો સંદેશ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આજે સવારથી મોટી સંખ્યામાં કોંગી અગ્રણીઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા અને સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે સવારથી નવા બસસ્ટેન્ડ આસપાસ પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. જોકે, બીજી તરફ તંત્ર દ્વારા રેલીને મંજૂરી આપવાની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું પરંતુ કોંગ્રેસ પ્રમુખે હવે રેલી નહીં યોજાઈ તેવી જાહેરાત કરી હતી.

બીજી તરફ આજે સવારે 10 વાગ્યે યોજાનાર કોંગ્રેસની મૌન રેલીને સંબંધિત વિભાગો દ્વારા 11.45 કલાક સુધી મંજૂરી આપવામાં ન આવતા અંતે આજે કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ રેલી રદ કરવાની જાહેરાત કરી હતી.તેમને વધુમાં જણાવ્યું હતું કે આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી અમે સમય વેડફવા માંગતા નથી અને તંત્ર આચાર સંહિતાના નામે રેલી યોજવામાં વિઘ્ન નાખ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચારને શેર કરો