Placeholder canvas

બજેટમાં મોરબીને સિરામીક પાર્ક,બોટાદ-ખંભાળીયા-વેરાવળને નવી મેડીકલ કોલેજ મળી

અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં જહાજ ભાંગવા માટે વધુ 42 પ્લોટ, સુરેન્દ્રનગરમાં તબીબી છાત્રો માટે નવી આયુર્વેદ કોલેજ : ભાવનગરને CNG ટર્મીનલ તેમજ જસદણ, પાલીતાણા, બગસરામાં નવી સરકારી કોલેજ શરૂ થશે

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઇકાલે વિધાનસભામાં રજુ કરેલા રાજ્ય સરકારના 2,43,965 કરોડના અંદાજપત્રમાં સૌરાષ્ટ્ર પર વરસી પડી સૌરાષ્ટ્રના વિકાસને નવી દિશા આપવા માટે થોકબંધ નવી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં મોરબીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સિરામીક પાર્કના નિર્માણ માટે રૂા. 400 કરોડની જોગવાઈ અંદાજપત્રમાં કરાતા સિરામીક ઉદ્યોગમાં નવી ચમકદમક આવી જવા પામી છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના સિરામીક પાર્ક માટે અલગથી જમીન ફાળવી તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાશે

તેની સાથે ડીસ્પ્લે સેન્ટર અલગ-અલગ ઉત્પાદન માટે શરૂ કરાશે જેમાં પાંચ હજાર કરોડનું નવું રોકાણ થવાની અત્યારથી જ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની સાથોસાથ આરોગ્ય વિભાગ માટે ફાળવાયેલા 12240 કરોડના બજેટમાં બોટાદ-ખંભાળીયા અને વેરાવળમાં નવી મેડીકલ કોલેજ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ઉચ્ચ તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનશે. તેની સાથોસાથ ગીર સોમનાથ, બોટાદ,દ્વારકા અને મોરબીના જિલ્લા મથકો પર નવા સ્પોર્ટસ સંકુલોનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ માટે અંદાજપત્રમાં 517 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના નવાબંદર, વેરાવળ, માઢવડ, પોરબંદર, સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્યોદ્યોગ કેન્દ્રોની નિર્માણની યોજના હેઠળ 2.01 કરોડ ફાળવવામાં આવ્યા છે જેમાં ચોરવાડમાં ફલોટીંગ જેટનું નિર્માણ કરાશે જેના થકી માછીમારોની સુવિધામાં વધારો થશે. આ ઉપરાંત રાજકોટ જામનગરની સરકારી મેડીકલ કોલેજોમાં અદ્યતન સુવિધા વિકસાવવા અને આધુનિકરણ માટે જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ સુરેન્દ્રનગરમાં નવી આયુર્વેદ કોલેજ શરુ કરવા માટે રૂા. 12 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત યાત્રાધામ દ્વારકામાં નવું એરપોર્ટ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી યાત્રાળુઓની સુવિધામાં વધારો થશે. તેની સાથોસાથ જસદણ, બગસરા, પાલીતાણામાં વિદ્યાર્થીઓનાં ઉચ્ચ શિક્ષણ માટે નવી નવી સરકારી કોલેજ શરુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગરના જગવિખ્યાત અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં જહાજ ભાંગવા માટે વધુ 45 પ્લોટ બનાવાશે. તેમજ ભાવનગરમાં સીએનજીટર્મિનલ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કરવેરા વગરના ગુજરાતનાં આ ફુલગુલાબી અંદાજપત્રમાં સૌરાષ્ટ્રના વિકાસને નવી દિશા મળે તેવી અનેક જાહેરાતો સાથે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો