મોરબી: ટ્રીપલ સવારી બાઇકમાંથી મહિલા નીચે પટકાતા મોત
મોરબી નજીકના નવલખી રોડ ઉપરતી દંપતી ટ્રીપલ સવારી બાઈક પર પસાર થઈ રહ્યુ હતુ ત્યારે અચાનક વાહનને બ્રેક લગાવવામાં આવતા પાછળ બેઠેલી મહિલા નીચે પડી ગઈ હતી અને તેને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમનુ હોસ્પિટલમા સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.
આ ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના પીપળીયા ગામે રહેતા ધરમશીભાઈ જેઠાભાઇ મુછડીયા તેના પત્ની કમળાબેન તેમની દિકરી મીનાબેન ત્રણ સવારીમાં બાઇક લઇને મોરબીનાં નવલખી રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્રિમંદિરથી જેપુર ગામની વચ્ચે અચાનક તેઓને પોતાની બાઈકમાં બ્રેક મારતા પાછળ બેઠેલા તેમના પત્ની કમળાબેન નીચે પડી ગયા હતા.
કમળાબેન નિચે પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેઓને તુરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમા સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતના આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.