હોમગાર્ડના સસ્પેન્ડેડ કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલ વિરૂધ્ઘ અપહરણ અને ધમકીની ફરિયાદ


હોમગાર્ડના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કરી ધમકી આપી છે.

અમદાવાદ : હોમગાર્ડના સસ્પેન્ડેડ સિનિયર કમાન્ડન્ટ (Senior Comandant) બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેતી દેતીમાં યુવકનું અપહરણ (Kidnapping) કરી ધમકી આપી છે. પીડિત યુવકના શેઠ પાસેથી પૈસા લેવાના હોવાથી ગોહિલે યુવકને બોલાવી કારમાં બેસાડી દીધો હતો. યુવકને સાણંદ હાઈવે પર લઈ ગયા બાદ આંબાવાડી સર્કલ પર છોડી ગોહિલ નાસી ગયા હતા. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે બ્રિજરાજસિંહ સહિત 3 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસને મળેલી જાણકારી મુજબ ગોહિલ હાલમાં સસ્પેન્ડ થયેલા છે, જોકે, પોલીસ સરકારમાં તપાસ કરી આ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશે.

અમદાવાદ શહેરના ભુલાભાઈ પાર્કમાં આવેલી ભાવનાપાર્ક સૉસાયટીમાં રહેતાં અને નવરંગપુરા વ્હાઇટ હાઉસની સામે આવેલા ‘સરવૈયા હાઉસ’માં ઍકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતાં જીતેન્દ્ર પટેલના ફોન પર શનિવારે બપોરે રાજ્યના હોમગાર્ડ વિભાગના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલનો ફોન આવ્યો હતો. ગોહિલે ફોનમાં કહ્યું હતું કે તમારા શેઠ અશ્વિનસિંહ હાજર છે કે નહીં? જેથી જીતેન્દ્રએ ના પાડી હતી. બાદમાં જીતેન્દ્ર કામથી ઑફિસ નીચે આવ્યો ત્યારે કારમાં બ્રિજરાજસિંહ અને પ્રવીણ પટેલ બેઠાં હતા. દરમિયાન ગોહિલે જીતેન્દ્રને બોલાવી તેના ફોનથી અશ્વિનસિંહને ફોન કર્યો હતો, પરંતુ અશ્વિનસિંહનો ફોન બંધ હતો.

આ ઘટના બાદ આરોપી બ્રિજરાજસિંહે પટેલને કારમાં બેસવાનું કહેતાં જીતેન્દ્ર પટેલે ના પાડી હતી જેથી તેઓ ગુસ્સે થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા ગોહિલ પટેલને કારમાં બેસાડી અને નેહરુનગર થઈ સાણંદ હાઈવે પર કાર લઈ ગયા હતા. એક તબક્કે ગોહિલે તેમની રિવૉલ્વર કારના ડૅશબૉર્ડ પર મૂકી દીધી હતી. જીતેન્દ્રના ફોન પર ઑફિસના કર્મીનો ફોન આવે તો ઑફિસે પરત આવતાં 4 દિવસ લાગશે તેમ કહી દેવા જણાવ્યું અને ફોન તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત ગોહિલે સાણંદ પહોંચ્યા બાદ જીતેન્દ્રને કહ્યું હતું કે તારા શેઠ અશ્વિનસિંહ સરવૈયા પાસેથી પૈસા લેવાના છે. તું બેસી રહે’ થોડીવાર બાદ તેઓ કારમાં જીતેન્દ્રને આંબાવાડી સર્કલ ઉતારી ગયા હતા અને આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બાબતે રાજ્ય હોમગાર્ડના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહનું કહેવું છે કે આવું કાઈ બન્યું નહોતું સાથે બેસીને વાત થઈ હતી. જ્યારે યુનિવર્સિટી પોલીસનું કહેવું છે કે ફરિયાદ નોંધાઈ છે પુરાવા શોધી તપાસ કરાશે. આ મામલે અમદાવાદ પોલીસના બી ડિવિઝનનું કહેવું છે કે હાલ બ્રિજરાજસિંહ ગોહિલ હોમગાર્ડ વિભાગમાંથી સસ્પેન્ડ હોવાની જાણકારી મળી છે તે બાબતે પણ તપાસ કરાશે.

આ સમાચારને શેર કરો