Placeholder canvas

પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર: 2020થી ધોરણ-10નું પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે

ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે 2020ની બોર્ડની પરીક્ષા માટે 80/20ની પદ્ધતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરાયો છે. જેમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે 2020ની બોર્ડની પરીક્ષા માટે 80/20ની પદ્ધતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ-10ની બોર્ડની પરીક્ષા 80 ગુણની રહેશે, જ્યારે આંતરિક મુલ્યાંકનના 20 ગુણ શાળા કક્ષાએથી આપવાના રહેશે.

પરીક્ષા સચિવે એક પરિપત્ર જાહેર કરી તમામ શાળાના આચાર્યોને જાણ કરવા સૂચના આપી છે. મહત્વનુંછે કે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા OMR પદ્ધતિ રદ કરી નવી પરીક્ષા પદ્ધતિની જાહેરાત કરાઈ હતી. જે અંગે હાલ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને શાળાઓને આચાર્યોને અને પરીક્ષાર્થીઓને નવી પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાશે તે અંગે અવગત કરાવવા આદેશ કરાયો છે.

રાજ્યમાં દર વર્ષે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-10ની પરીક્ષા આપતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવે ધોરણ-10ના બદલાયેલા અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ બાબતે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં જણાવાયું છે કે રાજયની તમામ માધ્યમિક શાળાઓમાં માર્ચ 2020થી ધોરણ-10માં અમલીકરણ થયેલા નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિ સંદર્ભે કરાયેલ પરિપત્ર મુજબ આગામી પરીક્ષા લેવામાં આવશે. પરિપત્ર પ્રમાણે ચાલુ વર્ષે ધોરણ 10માં અભ્યાસ કરતા નિયમિત વિદ્યાર્થીઓની 80/20ની પદ્ધતિથી વર્ષ 2020માં પરીક્ષા લેવામાં આવશે. જેમાં બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાનું પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, જ્યારે આંતરિક મુલ્યાંકનના 20 ગુણ શાળા કક્ષાએથી આપવાના રહેશે.જ્યારે માર્ચ 2020થી પ્રથમ ભાષા ગુજરાતી, મરાઠી, સિંધી, તમિલ, તેલગુ, ઓડિયા, તેમજ દ્વિતિય ભાષા ગુજરાતી, હિન્દી, સિંધી, અંગ્રેજી સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, પર્શિયન, એરેબિક અને ઉર્દુના પાઠ્ય પુસ્તકો બદલાયેલ નથી. પરંતુ પરીક્ષા પદ્ધતિ બદલાયેલ હોવાથી પુનરાવર્તિત ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર વિદ્યાર્થીને 80 ગુણનું પ્રશ્ન પત્ર આપવામાં આવશે.

જ્યારે શૈક્ષણિક વર્ષ 2019-20થી હિન્દી, અંગ્રેજી, ઉર્દુ પ્રથમ ભાષા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત જેવા વિષયોમાં એનસીઈઆરટી પેટર્નના નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવ્યા છે. આથી આ વિષયોમાં 80 ગુણનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. જ્યારે આ વિષયોમાં પુનરાવર્તિત વિદ્યાર્થીઓને જૂના પાઠ્યપુસ્તક આધારિત 80 ગુણનું પ્રશ્ન પત્ર આપવામાં આવશે.મહત્વનું છે કે ધોરણ 10માં ગત વર્ષ સુધી પરીક્ષામાં OMR પદ્ધતિ અમલમાં હતી અને 100 ગુણનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા લેવાતું હતું, પરંતુ આગામી 2020થી નવી પદ્ધતિથી પરીક્ષા લેવાશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો