કચ્છનાં ક્રિક એરિયામાંથી મળ્યું કરોડોનું ડ્રગ્સ
શોધવા ગયા પાકિસ્તાની અને મળ્યું ડ્રગ્સ, કચ્છનાં ક્રિક એરિયામાંથી મળ્યો કરોડોનો માદક પદાર્થ
બે દિવસ પહેલા જ કચ્છનાં ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાનથી આવેલી બે અવાવરું બોટ પકડાયાની ઘટના હજુ તાજી છે ત્યાં જ ક્રિક વિસ્તારમાંથી કરોડોની કિંમતનાં ડ્રગ્સનાં એક એક કિલોનાં બે પેકેટ બે દિવસમાં મળી આવ્યા છે. સરક્રિકમાંથી બિનવારસી બોટ મળ્યા પછી ક્રિક એરિયામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ તલાશી અભિયાન દરમિયાન લક્કી ક્રિકમાંથી બીએસએફને ડ્રગ્સનાં બે પેકેટ મળી આવ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવભરી સ્થિતિ છે અને કચ્છ-ગુજરાત સહિતની ઇન્ડો પાક બોર્ડર ઉપર હાઈ એલર્ટ છે તેવામાં શાંત માનવામાં આવતી કચ્છ સીમાએથી પહેલા બોટ અને હવે માદક પદાર્થનાં પેકેટ મળી આવતા સુરક્ષા દળો તથા પોલીસ ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સી સતર્ક થયી ગયી છે.
સૂત્રોનું માનીએ તો, લખપત પાસે આવેલા ક્રિક એરિયામાં તલાશી અભિયાન દરમિયાન રવિવારે પહેલા ડ્રગ્સનું એક પેકેટ મળ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે સોમવારે પણ એક વધુ પેકેટ મળી આવ્યું હાતું. મેં મહિનામાં કોસ્ટગાર્ડ દ્વારા અલ-મદીના નામના જહાજમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ મળ્યું હતું. તે વખતે કેટલોક માલ દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હોય તેવી વાત વહેતી થયી હતી. હાલમાં મળેલા બે પેકેટ તેનો જ ભાગ હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. જોકે બીએસએફ કે પોલીસનાં અધિકારીઓ હાલ આ મામલે કોઈજ પ્રતિક્રિયા નથી આપી રહ્યા.
સતત મળી રહેલા આતંકી હુમલા તથા ઘૂસણખોરીનાં એલર્ટ-ઇનપુટ વચ્ચે આટલી તકેદારી પછી પણ કચ્છની બોર્ડર ઉપર જે પ્રમાણેની હરકતો જોવા મળી રહી છે તેને ડિફેન્સનાં જાણકારો સૂચક અને અતિ ગંભીર માની રહ્યા છે. અવાવરું બોટ થકી પાકિસ્તાન દ્વારા આ વિસ્તારની રેકી કરવામાં આવી રહી હોવાનું પણ ઇન્ટેલિજન્સ એજન્સીના સૂત્રો દાવો કરી રહ્યા છે. તેવામાં કચ્છની બોર્ડરની સુરક્ષાને લઇને કોઈ મોટી બેદરકારી કે ચૂક હોવાનું પણ સૂત્રો માની રહ્યા છે. ભૂતકાળમાં બીએસએફનાં કાબેલ અને પ્રોફેશનલ ઓફિસર્સને કારણે બોટ કે માણસો પાકિસ્તાનથી નીકળે ત્યારે જ કચ્છમાં બેઠા બેઠા ખબર પડી જતી હતી. જેની સામે હોવી બોટ આવી જાય કે ડ્રગ મળે ત્યાં સુધી કાનોકાન ખબર નથી પડતી. જેને કારણે ભારતમાં કોઈ મોટા આતંકી હુમલાને અંજામ આપવા માટે કચ્છની સીમાનો ઉપયોગ થાય તેની સંભાવના પણ નકારી શકાય તેમ નથી.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…