હવામાન વિભાગની આગાહી: 12 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.
આ વાતાવરણથી ધરતી પુત્રોમાં ચિંતાનું વાતાવરણ
રાજયમાં ગતરોજ એકાએક હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતા જેના કારણે દિવસભર વાદળછાયું જોવા મળ્યું હતું. મોડી સાંજે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે હવામાન વિભાગના મતે હજુ આગામી 12 કલાકમાં રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં વરસાદ પડી શકે છે. શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવતા જગતનો તાત ચિંતામાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઇને રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
ગુજરાતમાં ગઇકાલથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે આજે પણ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોનો તમામ પાક પાણીમાં ધોવાઈ જતા તેઓને રડવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 12 કલાકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે ઉનાળા પહેલા ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી. હજૂ આગામી દિવસોમાં પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજ્યમાં પડેલા ગઇકાલના વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન જોવા મળ્યું છે. જેમાં જીરુ, ઘઉં કેરીના પાકને કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું છે.