Placeholder canvas

લગ્નપ્રસંગે છાકટા બનેલા સગાને ટપારતા બઘડાટી બોલી: તલવાર,ધોકા અને છરી ઉડી…

બે મહિલા સહિત છ લોકોને ઇજા

વીરપુરમાં ભાણેજના લગ્નમાં છાંકટા બનેલા મામા અને તેના પુત્રોને સમજાવતાં ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડી અને છરીથી મારમરી કરી હતી. તો સામાપક્ષે પણ તલવારથી હુમલો થતાં સામસામી મારમારીમાં બે મહિલા સહિત છ ને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં.

આ બનાવ અંગે ફરિયાદી શીતલબેન અશોકભાઇ મકવાણા (ઉ.વ.20) (રહે વિરપુર,ભુલેશ્વર ઢોરો) એ આરોપી તરીકે રોહીત દેવજીભાઇ સોલંકી વીકાસ દેવજીભાઇ સોલંકી દેવજીભાઇ કાનજીભાઇ સોલંકી અને ઇલાબેન દેવજીભાઇ સોલંકી નામ આપી જણાવ્યું હતું કે, ગતરોજ વિરપુર તેના કાકા રાજુભાઇની પુત્રી હેતલના લગ્ન હોય તથા તેના ભાઇ સાગરે લવમેરેજ કરેલ જેના પણ ફેરા ફેરવવાના હોય જે પ્રસંગે સગા વ્હાલાઓ આવેલ હતા અને લગ્નમાં તેના કાકી લાભુબેનના ભાઇ દેવજીભાઇ સોલંકી તથા પત્નિ ઇલાબેન, પુત્ર વિકાસ, રોહિત સહિતના આવેલ હતાં. તેમની બહેનના લગ્ન ચાલુ હતાં ત્યારે રોહિત ગાળો બોલતો હોઈ જેથી પ્રસંગમાં મહિલાઓ પણ હોય જેથી તેને ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ જઇ વધારે ગાળો બોલવા લાગેલ અને ઝઘડો કરવા લાગેલ જેથી તેમને સમજાવી જતા રહેવાનુ કહેતા તે લોકો પરિવાર સાથે જતાં રહેલ હતાં.

બાદમાં સાંજના સાડા ચારેક વાગ્યાની આસપાસ દેવજીભાઇ તેની પત્ની ઇલાબેન,પુત્ર વિકાસ અને રોહિત સહિતના ઘસી આવ્યા હતાં. અને બપોરના ઝઘડાનો ખાર રાખી તેના પિતરાઇ ભાઈ રોહિત ને ઢીકાપાટુનો મારમારેલ હતો. જેમાં તેના કાકી ગીતાબેન વચ્ચે પડતા ઇલાબેને તેમને પણ ઢીકાપાટુનો મારમારેલ જેને બચાવવા ગયેલ તેના ભાઈ સાગરને દેવજીભાઇ અને તેના બે પુત્રો ઘર પાસે પડેલ લાકડા ઉપાડી આડેધડ ફટકારેલ હતાં. તેમજ રોહિત તેના ભાઈને છરીનો ઘા ઝીંકવા જતાં પોતે વચ્ચે પડતાં હાથના અંગૂઠામાં છરી લાગતાં ટેરવું કપાઈ ગયું હતું. તેમજ મારમારીમાં વચ્ચે પડેલ તેમના ભાભી અને પડોશી રાજુભાઈને પણ મારમારી છરી ઝીંકી દિધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં.

જે બાદ પડોશીઓ આવી જતા ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવારમાં ખસેડેલ હતાં. જેમાં ઇજાગ્રસ્ત સાગરની તબિયત લથડતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સામાપક્ષે ઇજાગ્રસ્ત હાલતમાં ઇલાબેન દેવજીભાઈ સોલંકી(ઉ.વ.40), તેનો પુત્ર વિકાસ (ઉ.વ.22) અને તેના પતિ દેવજીભાઈ કાનજીભાઈ (ઉ.વ.46) સારવારમાં અત્રેની સિવિલમાં દાખલ થયાં હતાં અને ઇલાબેને જણાવ્યું હતું કે, ગતરોજ સાંજે તેમની નણંદની પુત્રીના લગ્નમાં ગાળો બોલવા મામલે ઝઘડો થતાં સાગર, રોહિત, લાભુ અને રાજુ નામના શખ્સોએ લાકડી અને તલવારથી હુમલો કર્યો હતો.

આ સમાચારને શેર કરો