Placeholder canvas

મહિલાની મોબાઈલ પર પજવણી મામલે બે પરિવાર વચ્ચે બઘડાટી

રાજકોટ : રાજકોટના દૂધસાગર રોડ પર પુત્રવધુને ફોન કરીને પજવણી કરતા શખ્સને સમજાવવા મામલે બે મુસ્લિમ પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી અને છરી-પાઇપ વડે સામસામે મારામારી થતા પિતા-પુત્ર સહિત ચાર ઘવાયા હતા.જ્યારે એક મહિલાએ ફીનાઇલ પીધું હતું.આ અંગે થોરાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. વધુ વિગતો મુજબ, દૂધસાગર રોડ શેરી નંબર એકમાં રહેતા યાકુબભાઈ પુંજાભાઈ મુલતાણી(ઉ.વ.72), હનીફ યાકુબ(ઉ.વ.43) અને એઝાંઝ હનીફભાઈ (ઉ.વ.24)ને પાડોશીમાં રહેતા ઇનાયત,મોહસીન અને ચાર અજાણ્યા શખ્સોએ છરી-પાઈપથી હુમલો કર્યો હતો.

તેઓને ઇજા થતાં તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે જ્યારે હનીફભાઈ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમના પત્નીએ ડરને કારણે ફીનાઇલ પી લેતા તેઓને પણ સારવારમાં ખસેડાયા હતા. જ્યારે સામાંપક્ષે ગામેતી હોલ વાળી શેરીમાં રહેતા રોશનબેન બાબુભાઈ સંધી(ઉ.વ.60)ને હનીફ, શેહઝાદ અને અજાણ્યા શખ્સોએ ધોકા હુમલો કર્યો હતો. તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવારમાં રહેલા રોશનબેને જણાવ્યું હતું કે, મારા પુત્રવધુ સાથે હનીફનો પુત્ર શહેઝાદ વાતચીત કરી મોબાઈલ પર પજવણી કરતો હોય તેઓને ત્રણ મહિના પૂર્વે સમજાવતા સમાધાન કરી તેઓની અનાજ કારીયાણાની દુકાન બંધ કરાવી હતી. ગઈકાલે આ લોકોએ દુકાન ખોલતા જ તેઓને સમજાવવા જતા હુમલો કર્યો હતો. આ મામલે થોરાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો