PSI ભરતીની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની યાદી જાહેર.
ગુજરાત પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ટેસ્ટમાં ઉતિર્ણ થયેલા ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. પીએસઆઈની કસોટીમાં 96,000થી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે. આ ઉમેદવારોની હવે પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે.
રાજ્યમાં 3 ડિસેમ્બરથી પીએસઆઈ સંવર્ગની કસોટી લેવામાં આવી હતી. આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે સામે આવ્યા હતા. ઉમેદવારો માટે 15 કેન્દ્રો પર શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જે કસોટીઓ પૂર્ણ થતા પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
પ્રિલિમીનરી પરીક્ષા 15 ફેબ્રુઆરી પછી કોઈ પણ રવિવારે યોજાશે
શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ પ્રિલિમીનરી પરિક્ષા લેવાશે. આ પ્રિલિમીનરી પરિક્ષા ફેબ્રુઆરીની 15 તારીખ પછીના કોઇપણ રવિવારે લેવાનું આયોજન કરવામાં આવી રહેલ છે. ચોકકસ તારીખ નકકી થયેથી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જે અંગે લાગતા-વળગતાઓએ નોંધ લેવી.
શારીરીક કસોટીના પરિણામ અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો શુ કરવું?
જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.21/01/2022 સુધીમાં પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-13, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર – 382007 ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે (કોવીડ-19 ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં)
એલઆરડીની કસોટી માટે અપડેટ
દરમિયાન રાજ્યમાં લોક રક્ષક દળની શારીરિક કસોટી માટે જે ઉમેદવારોએ તારીખ બદલવા માટે અરજી કરી હતી તેમની વિગતો પણ અહીંયા મુકી દેવામાં આવી છે. ઉમેદવારો અહીંયા ક્લિક કરીને જાણી શકશે.
શારીરિક કસોટીના ઉમેદવારો કોરોના પોઝિટિવ થયા હોય તો
શારીરિક કસોટીના આગળના દિવસે કોરોના પોઝિટિવ થયેલ ઉમેદવાર રૂબરૂ કે ટપાલથી પોતાની અરજી બોર્ડને મોકલી શકે તેમ ન હોય તો પ્રથમ જાણકારી માટે ભરતી બોર્ડની હેલ્પ લાઇન નંબરઃ 9104654216, 8401154217 અને 7041454218 પર સંપર્ક કરી જાણ કરે ત્યારબાદ ઉમેદવારે ભરતી બોર્ડ ખાતે કેસ પેપરની નકલ તથા RTPCR ની નકલ સાથે મોકલવાની રહેશે.
ઉમેદવાર ધ્વારા RTPCRનો નેગેટીવ રિપોર્ટ બોર્ડને રજુ કર્યેથી ઉમેદવારને બીજી તારીખ આપવામાં આવશે. (ઉમેદવારને શારીરીક કસોટીની છેલ્લી તારીખ સુધી તારીખ બદલી આપવામાં આવશે.) કસોટીની છેલ્લી તારીખ સુધી જો ઉમેદવારનો નેગેટીવ રિપોર્ટ ન આવે તો શારીરીક કસોટીની તક મળશે નહીં. ઉમેદવાર RTPCR રિપોર્ટ રજુ નહીં કરે તો ઉમેદવારને કસોટી માટે બીજી તારીખ આપવામાં આવશે નહીં.
પરિવારમાં કોઈ કોરોના પોઝિટિવ થયું હોય તો
આ ઉપરાંત જે ઉમેદવારને લોકરક્ષક કેડરની શારીરીક કસોટીમાં ભાગ લેવાના હોય, તેઓના પરિવારમાં કોઇ વ્યકિત કોરાના પોઝિટિવ આવેલ હોય અને કોવીડ-19ની ગાઇડલાઇન મુજબ જો ઉમેદવારને કવોરોન્ટાઇન કરવામાં આવેલ હોય તો આવા ઉમેદવારને પરિવારમાં જે વ્યકિતનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે તેનો RTPCR રિપોર્ટ સાથે ઉપર જણાવ્યા મુજબ કાર્યવાહી કરવાની રહેશે.