કૃષિ બીલના વિરોધમાં ખેડૂતોની દિલ્હી કૂચ, ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનશે
સરકાર તરફથી બેઠક પછી પણ ખેડૂત આંદોલન પુરુ થઇ રહ્યું હોય તેવું દેખાય રહ્યું નથી. એક બાજુ પંજાબના ખેલ જગતના નામી ખેલાડીઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યાં છે જ્યારે બીજી તરફ પંજાબ અને હરિયાણાથી ખેડૂત દિલ્હી આવવાની તૈયારી કરી રહ્યાં છે.
દિલ્હી રોડ પર વિરોધ પ્રદર્શનકારી ખેડૂતોની સંખ્યામાં વધારો થશે, જેના કારણે દિલ્હીવાસીઓની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા છે. આમ કૃષિ બિલનો વિરોધ કરી રેલી ખેડૂતોની દિલ્હી કુચના કારણે આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દિલ્હી કુચ મામલે આજે ટ્રેકટર લઇ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂતોએ દવા, રાશન સહિતનો સામાન ભેગો કર્યો છે. સરકાર દ્વારા માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં ખેડૂતો જોવા મળી રહ્યાં છે.
અમારું ભલું ન કરો પરંતુ આ કાયદો હટાવી દો
સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ કહ્યું હતું કે તમે એવો કાયદો લાવ્યો છે કે અમારી જમીનો મોટા કોર્પોરેટ લઇ લેશે, તેમાં કોર્પોરેટને ન લાવો. હવે સમિતિ રચવાનો સમય નથી. તમે કહો છો કે તમે ખેડૂતોનું ભલું કરવા માંગો છો, અમે કહી રહ્યા છીએ કે તમે અમારું ભલું ન કરો. પરંતુ આ કાયદો હટાવી દો
સમિતિ બનાવાની સરકારે કરી વાત
સરકારે ખેડુતોના નેતાઓને નવા કૃષિ કાયદા અંગે ચર્ચા કરવા અને તમારી સમિતિના 4-5 લોકોના નામ જણાવવા અને એક સમિતિની રચના કરવા કહ્યું જેમાં સરકાર અને કૃષિ નિષ્ણાતોના પ્રતિનિધિઓ પણ હશે. જોકે ખેડૂતોએ સમિતિ બનાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો હતો અને કૃષિ કાયદો પરત લેવા પર ભાર આપ્યો હતો.
મમતા બેનર્જીએ ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કૃષિ કાયદો ગેરબંધારણીય છે. સરકાર ખેડૂતોને કેમ સતાવી રહી છે? ભાજપ દેશ તરફ નજર નથી કરી રહ્યો. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષે આ ખરડાને ટેકો આપ્યો નથી.
થોડું મોડું થયું : CM અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા ખેડૂત સંઘોને વાટાઘાટો માટે આમંત્રણ આપવું એ યોગ્ય દિશામાં એક પગલું છે, પરંતુ તે મોડું થયું છે. ચિંતા માત્ર દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ વધી રહી છે.