લ્યો બસ: 15 દિવસમાં વઘાસિયા ફાટક ચાલુ થઇ જશે..!!

વાંકાનેર: નેશનલ હાઈવેથી વઘાસીયા તરફ જવા માટેના વચ્ચે આવતા રેલવે ટ્રેક પરની ફાટક છેલ્લા આઠ-દસ દિવસથી બંધ છે. તેમને લઈને પ્રથમ ગામલોકોએ રજૂઆત કરી હતી બાદમાં મોહનભાઈ કુંડારીયા સાંસદસભ્યનું ધ્યાન દોરતા તેવો આજે સ્થળ પર આવી પહોંચ્યા હતા.

મોહનભાઈ આવતા વઘાસીયા ગામના આગેવાનોએ રજૂઆત કરી હતી અને સંસદ સભ્યએ રેલ્વેના અધિકારી સાથે વાત કરી હતી રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફાટક ૭મી ડિસેમ્બર સુધીમાં ચાલુ થઇ જશે જે વાત સાંભળીને ગામના લોકો/આગેવાનોને મોહનભાઈએ થોડી ધીરજ રાખો દસ પંદર દિવસમાં ફાટક ચાલુ થઇ જશે.

જોકે આમાં કંઈ નવું થયું નથી રેલવેના અધિકારીઓએ પણ ૭મી ડિસેમ્બર સુધીમાં ફાટક ચાલુ થઈ જવાની ખાતરી આપી હતી ત્યારે મોટા આગેવાનોને બોલાવી ને એ જ ખાત્રી રિપીટ કરાવી હતી.

જ્યારે વઘાસીયા વિસ્તારની બેઠકના તાલુકા પંચાયતના સભ્ય ધમભા એ મોહનભાઈને કહ્યું હતું કે સાહેબ દસ દિવસથી બંધ છે ત્યારે મોહનભાઈ એ કહ્યું હતું કે બાપુ આપણા ઘરનું કામ હોય ને તો ય પાંચ-સાત દિવસ વેલા-મોડું થઈ જાય થોડી ધીરજ રાખો….

એ નોંધવા જેવી બાબત એ છે કે આ ફાટક છેલ્લા આઠ થી દસ દિવસથી બંધ કરી દેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવ્યો, ત્યારે આજે સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા આવવાના હતા ત્યારે દેખાવ પૂરતું રેલવે ટ્રેક ઉપર પાણી છાંટયું હતું અને એક થોડો ખાડો ખોદયો છે. ત્યારે સવાલ એ થાય છે જો કામ શરૂ નથી થયું તો જયારે કામ શરૂ થાય ત્યારે જ ફાટક બંધ કરવામાં આવી હોત તો લોકો જે છેલ્લા દસ દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે તે ન ભોગવવી પડી હોત ખાસ કરીને અહીં રેલ્વે ટ્રેકથી પૂર્વ દિશામાં આવેલી ખેતીની જમીનમાં ધરાવતા ખેડૂતો તેમજ પશુપાલકો ને ભારે હાલાકી પડી રહી છે.

ત્યારે આ વિસ્તારના સાંસદ મોહનભાઇ કુંડારીયા આવવાથી અને રેલવેમાં ઉચ્ચ કક્ષાએ વાત કરવાથી આ પ્રશ્નનો તાત્કાલિક નિવેડો આવશે તેવી લોકોની આશા ઠગારી નીવડી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •