Placeholder canvas

બે વર્ષ પછી રાજ્યમાં પતંગોત્સવ: ચાર મહાનગરમાં યોજાશે શાનદાર કાઇટ ફેસ્ટિવલ

ગુજરાતમાં પતંગોત્સવની છેલ્લાં 2 વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન હાથ ધર્યું છે. આગામી પતંગોત્સવ રાજ્યના 4 શહેરી વિસ્તારમાં યોજાશે. રાજ્યમાં તારીખ 8 જાન્યુઆરી, 2023થી 14 જાન્યુઆરી, 2023 સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. રાજ્યના પ્રવાસન વિભાગે પતંગ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી છે. આ પહેલાં કોરોના મહામારીને કારણે વર્ષ 2021 અને વર્ષ 2022માં કાઇટ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 8થી 14 જાન્યુઆરી દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો પતંગ ઉત્સવમાં પર્ફોર્મન્સ કરશે. ગુજરાતની લોકકલાને ઉજાગર કરતા વિવિધ કલાકારો પતંગ ઉત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત પતંગોત્સવમાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે. રાજ્યમાં પતંગ ઉત્પાદન કેવી રીતે થાય છે એની વર્કશોપ પણ રાખવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતે વિવિધ સ્ટોલ ઊભા કરશે.

કોરોનાકાળ બાદ પ્રથમવાર યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટની થીમ રાખવામાં આવશે. રાજ્યમાં G-20 સમિટની 15 બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમવાર G-20 સમિટની યજમાની કરી રહ્યો છે, જેથી G-20 સમિટના કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે. આ ઉપરાંત દેશમાં આઝાદીનાં 75 વર્ષની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે પતંગ ઉત્સવમાં તેના કેટલાક અંશો જોવા મળશે.

આ સમાચારને શેર કરો