Placeholder canvas

વાંકાનેર: ખેડૂતે જ્યોતિગ્રામનો વીજ પ્રવાહ ખેતી વાડીમાં જોડતા વિજકર્મીનું મોત થયાનો ધડાકો

વાંકાનેર : વાંકાનેરના મહિકા ગામે વિજકર્મીને વિજવાયર બદલતી વખતે વિજશોક લાગવાથી મોત નીપજ્યું હતું. આ બનાવમાં ગામના એક ખેડૂતે ખેતી વાડીની બંધ લાઈન ચાલુ કરી દેતા વીજકર્મીનો ભોગ લેવાયો હોવાનું બહાર આવ્યું હતું. આથી, આ ગંભીર બેદરકારી દાખવનાર શખ્સ સામે પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર દ્વારા fir નોંધાવવામાં આવી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળેલ માહિતી મુજબ વાંકાનેર ગ્રામ્ય-૧ પેટા વિભાગ, પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર છત્રાભાઇ પ્રતાપભાઇ ખાંટએ આરોપી નુરમામદ સાઉદીભાઇ શેરસીયા (રહે.મહીકા, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પી.જી.વી.સી.એલ.ની હળવા દબાણની જ્યોતીગ્રામ તથા ખેતીવાડીની બન્ને લાઇનમાંથી પોતાનું કાયદેસરનું વિજ જોડાણ તથા બીજા ફીડરની લાઇનનું બિનઅધિકૃત જોડાણ કરી અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા પોતાના ઘરે આવેલ મીટર સુધી લઇ જઇ ડ્યુઅલ સોર્સ પાવરની વ્યવસ્થા ઉભી કરી હતી.

આ વ્યવસ્થામાં બે વિજ લાઇનના પ્રવાહ ભેગા થાય અથવા બંધ લાઇનમાં આ વિજપ્રવાહ જવાથી કોઇપણનુ મોત નીપજશે. એવુ જાણતો હોવા છતા આરોપીએ ડ્યુઅલસોર્સની વ્યવસ્થા ઉભી કરી હતી. દરમિયાન મહેન્દ્રસિંહ પ્રેમસિંહ રાવત (ઉ.વ.૨૭, રહે.હાલ તીથવા) પી.જી.વી.સી.એલ.ની લાઇનના મરામત કામગીરીમાં કામ કરતા હતા. અને તેઓ થાંભલા પર ચડીને વિજવાયર બદલતા હતા ત્યારે આરોપીએ જ્યોતીગ્રામની લાઇનનો પાવર સપ્લાય ખેતીવાડીની બંધ લાઇનમાં જોડાણ કરી દેતા વીજકર્મીનું વિજશોકથી મોત નિપજ્યું હતું.

આ ગંભીર બનાવ મામલે વાંકાનેર પોલીસે મહિકા ગામના ખેડૂત વિરુદ્ધ આઈપીસી કલમ 304 હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો