Placeholder canvas

જૂનાગઢ અને નવસારીમાં મેઘતાંડવ: મુખ્યમંત્રીનો મહત્ત્વનો નિર્ણય લીધો.

જૂનાગઢમાં મેઘતાંડવના પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી ક્યાંક રસ્તાઓ નદીમાં ફેરવાયા તો ક્યાંક વાહનો તણાઈ ગયાં. એટલું જ નહિ મુબારકબાગ વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાઈ જતાં લોકોને અગાશી પર ચડવાનો વારો આવ્યો. જૂનાગઢના ગિરનાર અને દાતાર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. ભવનાથ, કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોની ઘરવખરી, અનેક વાહનો અને ઢોર-ઢાંખર પણ તણાઈ ગયાં છે. કાળવા પુલ પર પાણીનો ભારે પ્રવાહ વહેતાં આ પુલને પર અવર-જવર માટે બંધ કરાયો હતો. મેઘરાજા મન મૂકીને જૂનાગઢને ધમરોળી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

નવસારીમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. શહેરમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું. ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઇ ગયાં, અનેક જગ્યાએ કાર તણાઇ તો કેટલીક જગ્યાએ દીવાલો ધરાશાયી થતાં કારનો ભુક્કો બોલી ગયો. જ્યાં પાણી ન ભરાતાં હોય તેવા વિસ્તારમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયાં. ક્યાંક પરીક્ષા આપવા આવેલ કિશોર પિતાની નજર સામે તણાયો તો ક્યાંક માલિકની નજર સામે જ અનેક ગેસની બોટલો તણાઇ ગઇ. લગભગ તમામ વિસ્તારમાં પાણી ભરાતાં પ્રિ-મોન્સૂનની કામગીરી પર સવાલ ઊઠી રહ્યા છે. શહેરના લોકો પાલિકાની કામગીરીને વખોડી રહ્યા છે.

મુખ્યમંત્રીનો મહત્ત્વનો નિર્ણય
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે તારાજીનાં દૃશ્યો સર્જાયાં છે. ભારે વરસાદની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વની બેઠક યોજી છે. ઘેડ વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. ત્યારે આ સમસ્યા ઉકેલવા ઘેડ વિસ્તારમાં સર્વે કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. નદી તથા તળાવને પહોળા કરવા સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં જળસંચય અભિયાન દરમિયાન આ ફોર્મ્યુલા અપનાવી શકાય છે. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર સેન્ટર ખાતે બેઠકમાં સૂચના આપી હતી.

આ સમાચારને શેર કરો