Placeholder canvas

વાંકાનેર: લુણસરમાં 2012માં ઢોર ચરાવવા બાબતે લાકડી મારનાર આરોપીને બે વર્ષની કેદને 10હજારનો દંડ.

વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ખેતરમાં ઢોર ચરાવવા મુદ્દે વાડી માલિકને માથામાં કુંડલીવાળી લાકડી મારી ઇજા પહોંચાડનાર શખ્સને નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા બે વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકારવા હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2012મા વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં વાડી ધરવતા હિરેનભાઈ ચંદુભાઈ વસીયાણીની વાડીમાં આરોપી ભરત રતાભાઈ ગમારા નામના આરોપીએ પોતાની ભેંસ હિરેનભાઈના ખેતરમાં ઘુસાડી નિરણના ઓઘામા ચરિયાણ કરાવતા હિરેનભાઇ અને અન્ય સાહેદોએ તેમને અટકાવી માલઢોર બહાર કાઢી લેવા કહ્યું હતું. જેથી આરોપી ભરત રતાભાઈ ગમારાને ઢોર બહાર કાઢવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરી હતી અને પોતાની પાસે રહેલ કુંડલી વાળી લાકડી ફરિયાદી હિરેનભાઈને માથામાં ફટકારી ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે અંગેનો કેસ ચાલી જતા નામદાર વાંકાનેર અદાલતે આરોપી ભરત રતા ગમારાને તકસીરવાન ઠેરવી બે વર્ષની કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે સુશ્રી એ.એન.પટેલ રોકાયા હતા જેમની ધારદાર દલીલો ધ્યાને લઇ એડિશનલ જ્યૂડીશયલ મેજિસ્ટ્રેટ શ્રી શૈલેશકુમાર કે.પટેલે આકરો ચુકાદો આપ્યો હતો.

આ સમાચારને શેર કરો