Placeholder canvas

ગુજરાતનું સૌથી મોટું ભરતી કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ: સરકારી ભરતીમાં 10 હજાર લોકોએ બોગસ પ્રમાણપત્ર આધારે નોકરી મેળવી..!

ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ- અમાન્ય પદવી- પ્રમાણ પત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પશુધન નિરીક્ષક વર્ગ-૩, ગ્રામ સેવકમાં આશરે ૧૦ હજાર જેટલાનું ભરતી કૌભાંડ થયું છે, આ આક્ષેપ ગુરુવારે સાંજે ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો છે. રાજ્યવ્યાપી ભરતી કૌભાંડમાં કમલમ્થી દોરીસંચાર થયાનો પણ આક્ષેપ કરાયો છે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે, સરકાર પાસે ખોટા સર્ટિ, ખોટી માર્કશીટો અને અમાન્ય ડિગ્રીઓની સંપૂર્ણ વિગતો હોવા છતાં પગલાં ભરવાને બદલે કૌભાંડીઓને બચાવવા માટે આંખ આડા કાન કરી રહી છે.

ગુજરાત હાઈકોર્ટે જે સંસ્થાઓને અમાન્ય ઠેરવી છે તેની સામે રાજ્ય સરકાર કેમ પગલાં ભરતી નથી? રાજ્ય બહારની અનેક યુનિવર્સિટીના પ્રમાણપત્રો ૪૦ હજારથી એક લાખમાં ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યા છે. આરોગ્ય વિભાગમાં જિલ્લા પંચાયતમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૮ સુધી ફિમેલ હેલ્થવર્કરની ૩,૮૨૮ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ૨૩૩૦ ખાલી જગ્યા ભરાઈ હતી, જેમાં મોટા પાયે બોગસ ડિગ્રી સર્ટિના આધારે લાખોનું કૌભાંડ કરીને ૩૩ જિલ્લામાં વ્યાપક કૌભાંડ આચરાયું છે, સરકાર પાસે આના પુરાવા હોવા છતાં પગલાં ભરતી નથી. તપાસ અહેવાલ હોવા છતાં સરકાર પગલાં ભરતી નથી.

પશુધન નિરીક્ષક વર્ગ-૩ ભરતીમાં પણ બોગસ ડિગ્રી આધારે ભાજપ સરકારે પોતાના મળતિયાઓને ગોઠણ કરી રહ્યા હોવાના પુરાવા છે. આમ મહેનત કરનારા યુવાઓ નોકરીથી વંચિત રહે તે રીતે કાર્યવાહી થઈ રહી છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં જામનગરમાં માર્ચ ૨૦૧૭માં, દાહોદમાં ડિસેમ્બર ૨૦૧૮, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, કચ્છ રાજકોટ, મોરબી વગેરે ખાતે બોગસ ડિગ્રીથી ભરતી કૌભાંડ થયું છે, રાજસ્થાનની બે, તામિલનાડુ, હિમાચલની એક એક યુનિવર્સિટી યુજીસી માન્ય નથી, ભાજપ સાથે સંકળાયેલા યુવા નેતા વડોદરા, વિદ્યાનગર, વલસાડ સહિત જિલ્લાઓમાં બોગસ માર્કશીટ, જાતિના દાખલાનો વેપાર કરે છે. એમપીએચડબ્લ્યુમાં ડિપ્લોમા કોર્સ તામિલનાડુની વિનાયક મિશન યુનિવર્સિટી અને રાજસ્થાનની ઓપીજે યુનિવર્સિટી સહિત આવી ૬ સંસ્થાઓ બોગસ ડિગ્રીઓનો વેપાર કરે છે.

આ સમાચારને શેર કરો