skip to content

જયરાજસિંહ સમાજનું સંમેલન બોલાવશે: સમાધાન મામલે હાલ કોઈ નિર્ણય નહીં

રાજકોટ : ગોંડલ-રિબડા જૂથ માટે વિધાનસભાની ચૂંટણી જાણે કે ‘વેરી’ બની ગઈ હોય તેવી રીતે જ્યારથી ટિકિટની ફાળવણી થઈ છે ત્યારથી લઈ અત્યાર સુધી આ બન્ને જૂથ વચ્ચે ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં જ રિબડા જૂથ દ્વારા રિબડામાં પાટીદાર યુવાનને માર મારવા તેમજ જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાયા બાદ જયરાજસિંહ દ્વારા બોલાવાયેલા સંમેલન પછી મામલો વધુ તંગ બની ગયો છે. બીજી બાજુ બે બાહુબલી જૂથ વચ્ચે આ મામલો આગળ વધીને મોટું સ્વરૂપ ધારણ ન કરી લ્યે તે માટે ક્ષત્રિય આગેવાનો દ્વારા બન્ને વચ્ચે સમાધાન માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે જે તેઓ એક અઠવાડિયામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવશે જેમાં તેમના પ્રશ્ર્નોના સચોટ ઉત્તર મળ્યા બાદ જ સમાધાન કરવું કે નહીં તેનો નિર્ણય લેશે.


દરમિયાન ગઈકાલે રાજકોટની ગરાસિયા બોર્ડિંગ ખાતે યોજાયેલા ક્ષત્રિય ધારાસભ્યો તેમજ સરસ્વતિના સન્માન સમારોહ બાદ જયરાજસિંહ જાડેજાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે અત્યારે સોશ્યલ મીડિયા ઉપર કોઈએ વીડિયો કે ઓડિયો મારફતે સમાધાન અંગે કોમેન્ટ ન કરવાની અપીલ છે. હું એક સપ્તાહની અંદર ક્ષત્રિય સમાજનું મહા સંમેલન બોલાવીશ જેમાં મારી નારાજગી અંગેના પ્રશ્ર્નોના સચોટ જવાબ માંગીશ. જો મને સંતોષકારક જવાબ મળશે તો જ હું સમાધાન અંગેનો નિર્ણય લઈશ. જો કે તેમણે ભારપૂર્વક એવું પણ કહ્યું હતું કે સંમેલન બાદ હું સમાધાન કરું પણ અને ન પણ કરું. આ પ્રસંગે તેમણે એવી ટકોર પણ કરી હતી કે સમાજ સમાજની રીતે છે અને સમાજને જયરાજસિંહ કે અનિરુદ્ધસિંહની જરૂર નથી. છતાં હું એક સપ્તાહમાં સમાજના લોકોનું સંમેલન બોલાવવાનો છું તે સંમેલનમાં મારા પ્રશ્ર્નોના ચોક્સાઈપૂર્વકના જવાબ મેળવીશ એટલા માટે હાલ સમાધાન બાબતે મહેરબાની કરીને કોઈ પ્રકારની કોમેન્ટ કે ઓડિયો-વીડિયો વાયરલ કરવાની જરૂર રહેતી નથી.


અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પી.ટી.જાડેજાએ જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે કોઈ પણ ભોગે સામાજિક આગેવાનોની મદદથી સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો આ પછી પણ સમાધાન નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. સમાધાન કરાવવાની વાત ઉઠવાનું શરૂ થતાં જ જયરાજસિંહના પુત્ર અને યુવા આગેવાન જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ) જાડેજાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જ્યારે અમારા પરિવાર વિશે જેમ ફાવે તેમ બોલવામાં આવી રહ્યું હતું ત્યારે આ સમાજ ક્યાં હતો ? આ સહિતનો રોષ તેમણે વીડિયો થકી વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો