ગોપાલ ગુજરાતમાંથી ગયા!! : ઈસુદાન ગુજરાત AAPના નવા પ્રમુખ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવી દેવામાં આવ્યા છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આમ આદમી પાર્ટીએ કાર્યકારી પ્રમુખોની પણ જાહેરાત કરી છે. છ કાર્યકારી પ્રમુખોની અલગ અલગ ઝોનમાં નિમણૂક કરવામાં આવી છે.

AAPના સંગઠનમાં ફેરફાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના પાંચ જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ AAPના સંગઠનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં આજે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગોપાલ ઇટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.

6 કાર્યકારી પ્રમુખોની પણ જાહેરાત
આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાં હવે માત્ર એક જ પ્રમુખ નહીં, પરંતુ કાર્યકારી પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરત ઝોનમાં અલ્પેશ કથીરિયા, દક્ષિણ ઝોનમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ઉત્તર ગુજરાત ઝોનમાં ડો. રમેશ પટેલ, સૌરાષ્ટ્ર ઝોનમાં જગમાલ વાળા, મધ્ય ગુજરાત ઝોનમાં જેવલ વસરા અને કચ્છ ઝોનમાં કૈલાશ ગઢવીને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે.

પ્રદેશ ઓફિસમાં પાર્ટી સંગઠનની બેઠક મળી
3જી જાન્યુઆરીએ આમ આદમી પાર્ટીની અમદાવાદ ખાતેની પ્રદેશ ઓફિસમાં પાર્ટી સંગઠનની બેઠક મળી હતી. જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, ચૂંટાયેલા ધારાસભ્યો સહિતના તમામ મુખ્ય પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં પાંચ જેટલી બેઠકો મેળવ્યા બાદ AAPનું સંગઠન અને પાર્ટી હજી આગળ કઈ રીતે વધે અને વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી જીત મેળવે તે મામલે રણનીતિ ઘડવામાં આવી હતી અને આ જ બેઠકમાં પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવે તે બાબતે ચર્ચા કરાઈ હતી.

આ સમાચારને શેર કરો