Placeholder canvas

લે બોલ ઠંડી પડવાને બદલે વરસાદ પડ્યો… !!! ક્યાં ? વાંચો…

લોકો ઠંડીની રાહ જોતા હતા’ને વરસાદ આવ્યો… ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના પંથકમાં માવઠું થતા ખેડૂતો અને વેપારી વર્ગમાં ચિંતા ફેલાઈ છે.

જુનાગઢ જિલ્લામાં બપોરે હવામાનમાં પલટો આવ્યો હતો અને વિસાવદર પંથકમાં દોઢથી બે ઈંચ કમોસમી વરસાદ વરસી ગયાના અહેવાલ છે. ઉપરાંત માળિયાહાટીના, માણાવદર, બીલખા પંથકમાં પણ ઝાપટાં વરસ્યા હતા. અચાનક આવેલા માવઠાંથી વિસાવદર પંથકના ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા, દુધાળા,રાજપરા, લાલપુર, વેકરીયા, પ્રેમપરા, પિયાવા સહિત વિસ્તારોમાં ધોધમાર માવઠાં માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.માળિયા હાટીના પંથકના જુના,નવા ગળોદર,વીરડી, અમરાપુર સહિત ગામોમાં માવઠાં વરસ્યા હતા.

અમરેલી જિલ્લાના ધારીના ગીર કાંઠા વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદ શરૂ થતા દિવાળી બગડવાની ચિંતા જન્મી હતી. ધારી શહેર તથા ગીગાસણ,બોરડી, ગોવિંદપુર, કુબડા સહિતના ગામોમાં સાંજે વરસાદથી કપાસ,મગફળીના તૈયાર પાક ભીંજાવાથી નુક્શાનની ભીતિ સર્જાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં હવામાનમાં પલટા સાથે સાંજે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. તાલાલા શહેર ઉપરાંત આંકોલવાડી, રસુલપરા, મોરૂકા, ધાવા, લુશાળા, બોરવાવ, ચિત્રાવડ, સાંગોદ્રા, ચિત્રોડ સહિત ત્રીસેક ગામોમાં ભારે પવન સાથે અર્ધાથી એક ઈંચ સુધી વરસાદના અહેવાલો મળે છે.

એક તરફ દિવાળીના તહેવાર આવી રહ્યા છે. ત્યારે અચાનક જ કોમોસમી વરસાદ આવતા લોકોના જીવ તાળવે ચોંટયા છે. માળીયા હાટીના પંથકમાં વરસાદી માહોલ સાથે ધીમી ધારનો વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદી માહોલના કારણે ખેડૂતોની દિવાળી બગડે તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે.

ખેડૂતો દ્વારા એક તરફ રવિ પાકોની કામગીરી શરૂ છે.તો બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તેમજ આ વરસાદી માહોલમાં ફટાકડાના વેપારીઓમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.તેમજ લાખો રૂપિયાના ખરીદી કરેલા ફટાકડામાં નુકસાન થવાની ચિંતા વેપારીઓમાં જોવા મળી રહી છે.અને દિવાળીની ચીજવસ્તુઓ વહેંચતા વેપારીઓમાં પણ વરસાદને લઈ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.

આ સમાચારને શેર કરો