Placeholder canvas

સૌરાષ્ટ્રમાં ફ્લુનો વાયરસ પણ વધુ સંક્રામક બન્યો, રાજકોટમાં ૧નું મોત

રાજકોટ: સૌરાષ્ટ્રમાં હવે સામાન્ય સીઝનલ ફ્લુ કે જેમાં શરદી,ઉધરસ,તાવ મુખ્ય લક્ષણો હોય છે તે ફેલાવતો વાયરસ પણ વધુ સંક્રામક અને વધુ માઠી અસર ઉપજાવનારો બન્યો છે.સવાર અને બપોરના તાપમાન વચ્ચે હજુ પણ ૧૬-૧૭ સે.નો તફાવત રહેતો હોય મિશ્રઋતુથી વાયરસ વધુ બળવત્તર થયો છે. રાજકોટ સિવિલમાં દર્દીઓની સંખ્યા તાજેતરમાં વધુ ૨૦ ટકા વધી છે અને આજે એક યુવાનનું શરદી-ઉધરસ-તાવથી મોત નીપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

અજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યા મુજબ શરદી-તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે, હાલ રોજ સરેરાશ ૨૦૦ દર્દીઓ માત્ર આવા સિમ્પટમ્સ સાથે ઓ.પી.ડી.માં સારવાર માટે આવે છે. ઉપરાંત પહેલા દર્દી દવા લઈને જાય અને ત્રણ-ચાર દિવસ બાદ તેને સારુ થઈ જતું પરંતુ, હાલ સારુ નહીં થતા ફરીવાર દવા લેવા આવતા હોવાનું પણ નોંધાયું છે. વાયરસની લાઈફસ્પાન એટલે કે દર્દીમાં પીડાદાયી લક્ષણો સર્જવાની વાયરસની ક્ષમતા વધી હોવાનું તારણ છે. આ જ વાતને ખાનગી તબીબોએ પણ ભારપૂર્વક જણાવી હતી કે હવે ઘણા કેસમાં તો પંદર-વીસ દિવસ સુધી શરદી,ઉધરસ,તાવ મટતા નથી, એન્ટીબાયોટિક દવાની અસર પણ અગાઉ કરતા ઓછી વર્તાય છે.

દરમિયાન શાપરમાં રહેતા અનિલ જનકાભાઈ ભુરીયા (ઉ.વ.૨૧) નામનો યુવાન આજે ઘરે બેભાન થઈ જતા સિવિલમાં લાવતા મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે. શાપર પોલીસની તપાસમાં પ્રાથમિક તારણ મૂજબ યુવાનને છેલ્લા પંદર દિવસથી તાવ, શરદી, ઉધરસની ફરિયાદ હતી અને તેની સારવાર પણ ચાલુ હતી.

આ સમાચારને શેર કરો