સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના પોઝીટીવ કેસોમાં વધારો : નવા 9 કેસ નોંધાયા
સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં આંતર રાજયની છુટછાટ અને અન્ય રાજયોમાંથી પરમીશન સાથે લોકોની આવર-જાવન થતા કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ઝંઝરી ગામનો 1 રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં 1 અને સરહદી કચ્છમાં તાલુકાઓમાં 7 નવા પોઝીટીવ કેસો નોંધાયા છે. 7 પૈકી એક મહિલાનું કોરોના રિપોર્ટ આવે તે પૂર્વે જ મોત નિપજયું હતું.
રાજકોટ જિલ્લામાં આજે જેતપુર તાલુકામાં રેશમડી ગાલોલની 38 વર્ષીય મહિલાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા જિલ્લાનો કુલ આંકડો 106 થયો છે. જેમાં 83 કેસ તો રાજકોટ શહેરના છે. બહારના જિલ્લાઓ અને રાજયોમાંથી લોકોનું આગમન થતા કોરોના પોઝીટીવની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
જયારે સરહદી કચ્છમાં કોરોના વાઇરસના એકી સાથે 7 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં એક મહિલાનું કોરોના રિપોર્ટ આવે તે પૂર્વે જ મોત થયું હતું. 7 નવા પોઝીટીવ કેસોમાં 4 માંડવી તાલુકામાં 2 રાપર અને 1 મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વરનાં દર્દીનો સમાવેશ થાય છે. આમ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના પોઝીટીવ દર્દીઓના કેસમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં આંતર જિલ્લામાં કોઇપણ જાતની પરમીશન વિના અવર-જવર થતા સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝંઝરી ગામની સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા ઝાલાવાડમાં કુલ 32 પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારોની સરખામણીએ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કેસો વધતા ચિંતાનો વિષય બન્યો છે.