રાજકોટમાં બે દિવસમાં અડધા કરોડનો દારૂ ઝડપાયો
રાજકોટ : રંગીલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને દારૂનાં નશામાં ડુબાળવા જાણે કે બુટલેગરો તૂટી પડ્યા હોય તેમ રાજકોટમાંથી દારૂનાં જથ્થાઓ પકડાઈ રહ્યા છે. પરંતુ બુટલેગરોનાં આવા મનસુબા પર રાજકોટ પોલીસ પાણી ફેરવી રહી છે. રાજકોટની હદમાં જેવો દારૂનો જથ્થો પ્રેવેશે કે તુરત રાજકોટ પોલીસ આ દારૂનો જથ્થો પક્કડી પાડે છે. શહેરમાં બુટલેગરો જેટલા સક્રિય થયા છે તેવી જ રીતે પોલીસ પણ અલગ અલગ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી રહી છે. રાજકોટ પોલીસે છેલ્લા 2 દિવસમાં અડધા કરોડ જેટલી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ ચાર જગ્યા પરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પડવામા આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરનાં કુવાડવા રોડ પર બામણબોર જીઆઇડીસી પાસેથી 36 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં 21 લાખથી વધુ ની કિંમતની વિદેશી દારૂની 448 બોટલ સાથે આઇસર ટ્રક ઝડપી પાડ્યો હતો.
રાજકોટ એસઓજી દ્વારા શહેરનાં જુના મોરબી રોડ પરના રઘુવીર પાર્ક સોસાયટીનાં મકાનમાંથી 81600 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દૂધની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસેથી દૂધના ટેન્કરમાં લઇ જવાતા દારૂનાં જથ્થાને ઝડપી પાડ્યો છે.
પોલીસે દૂધના ટેન્કર માંથી 5832 નંગ વિદેશી દારૂની બોટલ એટલે કે 15 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ કુવાડવા પોલીસે સોખડા ચોકડીથી માલિયાસણ ચોકડી તરફ જવાનાં રસ્તે આવેલા ડમ્પ હાઉસ પાસે ખરાબાની જમીનમાં ત્રણથી ચાર શખ્સો દારૂ સગેવગે કરી હોવાની પોલીસને જાણ થઈ હતી. પોલીસે 216000 કિંમતની 500થી વધુ વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે.