મોરબીમાં સગીર સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને સાત વર્ષની સજા
મોરબી,તા.૨૮: મોરબી પંથકમાં ત્રણ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય જે બનાવ મામલે સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતા આજે કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને સાત વર્ષની સજા અને ૧૭,૫૦૦ નો દંડ ફટકાર્યો છે.
કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની રહેવાસી સગીરાનું ૦૯-૧૨-૨૦૧૬ થી અપહરણ કરવામાં આવ્યું હોય અને તા. ૦૯-૦૧-૨૦૧૭ દરમિયાન આરોપી સિરાજ અહેમદ રજામોહમદ મુસ્તીફા રહે યુપી વાળા શખ્શે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો હતો અને દુષ્કર્મના બનાવ અંગે મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
આ કેસ આજે સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો તેમજ ૧૫ મૌખિક અને ૨૬ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને મોરબી ડીસ્ટ્રીકટ એડીશનલ જજ એમ કે ઉપાધ્યાય દ્વારા આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને દુષ્કર્મ કેસમાં ૭ વર્ષની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષની સજા તેમજ પોકસો એકટમાં ૫ વર્ષ અને ૭૫૦૦ નો દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ના ભરે તો વધુ ૯ માસની સજા ફટકારી છે આરોપીને બંને સજા સાથે ભોગવવાનો હુકમ કરાયો છે જેથી કુલ ૭ વર્ષની સજા અને ૧૭,૫૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.