Placeholder canvas

મા વાત્સલ્ય અને આયુષમાન કાર્ડમાં કોરોનાના દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત સારવાર મળશે

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુ કરેલાં સોગંદનામામાં રાજ્ય સરકારે આપી વિગતો : તમામ મ્યુ. કમિશનરો તથા રાજ્યભરના કલેક્ટરોને જરૂર પડવા પર કોઈપણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા અપાઈ

ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં સરકારે 15 એપ્રિલે આપેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત 15મી એપ્રિલે સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિયા સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું.

જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા મા વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારને પણ શામેલ કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું.

સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે. આ સાથે સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે,

મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે. વધુમાં હોટલો, હોસ્ટેલો તથા કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર્સમાં બદલવામાં આવી રહ્યા છે જેથી અસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણોવાળા દર્દીઓને ત્યાં રાખી શકાય.

આખરે વાતમાં ત્યાં આવીને અટકે છે કે હોસ્પિટલમાં જગ્યા તો હોવી જોઈએ નહીં… સરકારે એવું લખવાની જરૂર હતી કે જો માન્ય હોસ્પિટલમાં જગ્યા હશે તો આ ગરીબ દર્દીને આ કાર્ડમા મફતમાં સારવારનો લાભ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે પૈસા આપવા છતાં હોસ્પિટલમાં કયા જગ્યા મળતી નથી તો આ કાર્ડ ઉપર જગ્યા કઈ રીતે મળશે? વાહ રે સરકાર વાહ… !!!

આ સમાચારને શેર કરો