રાજ્ય સરકારની મહત્ત્વની જાહેરાત : શહેરી વિસ્તારમાં પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કાર મિકેનિક કામ શરૂ કરી શકશે
25મી એપ્રિલથી જે ઉદ્યોગો નિકાસનું કામ કરતા હોય અને તેમની પાસે ઓર્ડર હોય તો તેઓ કામ શરૂ કરી શકે છે.
આજે રાજ્ય સરકાર તરફથી રાશન કાર્ડ પર અનાજ વિતરણ, નિકાસનું કામ કરતી કંપનીઓ અને પ્લમ્બર, કાર મિકેનિક જેવી સેવા મામલે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. આ મામાલે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે શહેરી વિસ્તારમાં જનજીવન ઝડપથી થાળે પડે તે માટે કાર મિકેનિક, પ્લમ્બર, કારપેન્ટર સહિતના લોકો કામ ચાલું કરી શકે છે. આ માટે દરેક જિલ્લાના કલેક્ટરોને આવા કામ માટે મંજૂરી આપવાની તાકિદ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે નીચે મુજબની જાહેરાત કરી છે.
નિકાસનું કામ કરતી કંપનીઓને કામ શરૂ કરવાની મંજૂરી : અશ્વિની કુમારના કહેવા પ્રમાણે રાજ્ય સરકારે 20મી તારીખથી રાજ્યમાં અમુક ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી આપી હતી. જે અંતર્ગત 35 હજાર કરતા વધારે ઉદ્યોગો ચાલુ થયા છે. સવા ત્રણ લાખથી વધારે મજૂરો કામ કરે છે. આ ઉપરાંત આગામી 25મી એપ્રિલથી જે ઉદ્યોગો નિકાસનું કામ કરતા હોય અને તેમની પાસે ઓર્ડર હોય તો તેઓ કામ શરૂ કરી શકે છે. આ ઉદ્યોગો શહેરી વિસ્તારમાં હશે તો પણ કામ શરૂ કરી શકશે. ફક્ત કન્ટેન્મેન્ટ વિસ્તારમાં આવતા હોય તેમને બાદ કરતા આવા તમામ ઉદ્યોગોને સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ લોકોએ કામ શરૂ કરવા માટે તાત્કાલિક જિલ્લા કલેક્ટરને અરજી કરવાની રહેશે. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વાસ્થ્ય અંગે જરૂરી સાવચેતી રાખીને કામ શરૂ કરી શકશે.
66 લાખ કાર્ડ ધારકોને અનાજ વિતરણ : સરકાર તરફથી બીજી મહત્વની જાહેરાત એટલે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા પ્રમાણે રાશન કાર્ડ ધરાવતા 66 લાખ કાર્ડ ધારકોને ફરીથી મફતમાં અનાજ આપવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં આ લોકોને અનાજ આપવામાં આવ્યું હતું. હવે 25મી તારીખથી આ લોકોને ફરીથી વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં અને દોઢ કિલો ચોખા આપવામાં આવશે. આનો લાભ ગુજરાતની સવા ત્રણ કરોડ વસ્તીને મળશે. આ માટે જેમના રેશન કાર્ડની છેલ્લો અંક 1 અથવા 2 હોય તેમને 25મી તારીખે, 3, 4 અંક હોય તેમને 26મી તારીખે, 5, 6 અંક હોય તેમને 27મી તારીખે, 7, 8 અંક હોય તેમને 28મી તારીખે અને 9 કે શૂન્ય હોય તેમને 29મી તારીખે અનાજ આપવામાં આવશે. કોઈ કારણસર કોઈ વ્યક્તિ બાકી રહી જશે તો તેમના માટે આગામી તારીખ 30મી એપ્રિલના રોજ વ્યવસ્થા કરવામાં આવશે.
GSDMAમાં આપેલું દાન CSR ગણાશે : સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે હાલમાં કોરોનાની મહામારીને પગલે દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રવર્તમાન છે. આથી જો કોઈ કંપની GSDMA (Gujarat State Disaster Management Authority)ને કોવિડ 19 માટે દાન આપશે તો આ દાનની રકમ CSR (Corporate Social Responsibility) ગણાશે અને ખર્ચ તરીકે બાદ મળી શકશે.
આ સેવા ચાલુ કરવાનો આદેશ : સરકારની જાહેરાત પ્રમાણે શહેરી અને મહાનગરપાલિકા વિસ્તારોમાં જનજીવનને ઝડપથી સામાન્ય કરવા માટે મોટર મિકેનિક, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કાર્પેન્ટર, આઈટી રિપેરિંગ અને એ.સી. રિપેરિંગનું કામ કરતા લોકોને કામ કરવાની છૂટ આપવામાં આવી છે. આ માટે તમામ જિલ્લાઓના કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે. આથી જનતાને કોઈ સમસ્યા હોય તો ઉપરના લોકોનો સંપર્ક કરી શકે છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…