Placeholder canvas

રાજકોટમાં પુત્રએ બીમાર ‘માં’ને ઝેર પાઇ પોતે પણ ઝેર પીઇ લીધુ…

રાજકોટ શહેરમાં માતા-પુત્રના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોઠારિયા રોડ નજીક આવેલા ઘનશ્યામ નગર વિસ્તારમાં ‘કોઈ માટે કાંઈ કરી શક્યો નથી મને માફ કરજો’ વીડિયો બનાવી બીમાર માતાને ઝેર પાઇ પુત્રએ પોતે પણ ગટગટાવી લેતા બંનેનાં મોત નીપજ્યાં છે. અલબત્ત તે કયા કારણથી આ પગલું ભરી રહ્યો છે તેનો કોઈ ઉલ્લેખ યુવકે વીડિયોમાં કર્યો નહીં હોવાથી પોલીસે મૃતક પુત્ર સામે ગુનો નોંધી કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર શહેરના કોઠારિયા રોડ નજીક આવેલા ઘનશ્યામનગર ખાતે 80 વર્ષની બીમાર માતા અમીનાબેન લિંગડિયાને ઝેરી દવા પીવડાવી પુત્ર સિકંદરે પોતે પણ ગટગટાવી લેતા બંનેને સારવાર માટે ખસેડાયાં હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેનાં કરુણ મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી. પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને મૃતકે આ પગલું ભરતા પહેલાં બનાવેલો એક વીડિયો મળી આવ્યો હતો. બહેનને ઉદ્દેશીને બનાવેલા વીડિયોમાં સિકંદરે કહ્યું હતું કે, ‘કોઈ માટે કાંઈ કરી શક્યો નથી મને માફ કરજો’

સિકંદરે બનાવેલા વીડિયોમાં તે રડતાં રડતાં કહી રહ્યો છે કે,’રેશ્મા હું તારો ભાઈ હું જાવ છું બેન મને માફ કરજે હું બાને સાથે લેતો જાઉં છું. અમે મા-દીકરો હવે જીવી શકી એમ નથી. હું કોઈ માટે કાંઈ કરી શક્યો નથી, મને માફ કરી દેજો. બધાંય મારા ભાઈ અને ભત્રીજીઓ હું કોઈની માટે કાંઈ કરી શક્યો નથી. મારી માને મૂકીને હું એકલો જઈ શકું એમ નથી, એનું કોણ ધ્યાન રાખશે?’ ‘એટલે હું તેમને સાથે લેતો જાવ છું. એ પણ જીવીને શું કરશે હવે? એના વગર હું અને મારા વિના એ જીવી શકીએ એમ નથી. હું ઝેરી દવા લઇ આવ્યો છું એમને પાઈને હું પણ પી જાઉં છું. ભાભી મને માફ કરજો તમારો દેવર તમારા માટે કાંઈ કરી શક્યો નથી. મારી ભત્રીજીઓ ભાણિયા-ભાણકીઓ અને મારી મા-બહેન માટે કાંઈ કરી શક્યો નથી. હવે દવા માજીને પાઈને હું પણ પીઉં છું મને માફ કરી દેજો.’

આ સમાચારને શેર કરો