વરસાદને પણ જવું ગમતું નથી લાગતું ! આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદ !

અર્ધા સૌરાષ્ટ્રમાં અસર વધુ રહેશે

શિયાળાનું આગમન થઈ ગયું હોવા છતા હજુ કાતિલ ઠંડી શરૂ થઈ નથી અને તેના બદલે હવામાનમાં પલ્ટાનો દોર હોય તેમ આજથી બીજી ડિસેમ્બરે સુધી વધુ એક વખત કમોસમી વરસાદ-માવઠા થવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી આજથી માવઠાનો માહોલ સર્જાશે અને બીજી ડિસેમ્બર સુધી રહેશે. મુખ્ય અસર 1લી ડિસેમ્બરને બુધવારે જોવા મળશે. આ દરમિયાન દરિયાકાંઠાનો લાગુ વિસ્તારોના વિશે પ્રભાવ રહેવાની શકયતા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા બોટાદમાં વધુ અસર રહેશે. મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં પણ વધુ અસર રહેશે. આ ક્ષેત્રો-જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં હળવો-મધ્યમ કે ભારે વરસાદ થવાની શકયતા છે. જ્યારે એકલદોકલ વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શકયતા છે.

સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી તથા સુરેન્દ્રનગર જેવા બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા ભાગોમાં હળવો અને મહત્તમ વરસાદ શકય છે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો હળવો-મધ્યમ વરસાદ થવાની શકયતા છે. જ્યારે કચ્છમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડવાની સંભાવના છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે અરબી સમુદ્રમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુકત અસરથી કમોસમી વરસાદના સંજોગો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં કોઈ બદલાવ થાય તો માવઠામાં સ્થળ અને માત્રામાં પણ ફેરફાર થઈ શકે છે.

આ સમાચારને શેર કરો