Placeholder canvas

હીરાસર ઇન્ટરનેશલ એરપોર્ટની કેટલી કામગીરી થઈ અને કેટલી બાકી છે? જાણવા વાંચો…

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ સૌરાષ્ટ્રનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠક કરી એરપોર્ટ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટર અરુણ મહેશ બાબુ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહીત વિવિધ વિભાગના અધિકારીઓએ રનવે, ચેક ડેમ, સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ પ્રગતિ હેઠળના વિવિધ કામોની માહિતી પુરી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાતમુહૂર્ત થયેલ એરપોર્ટ ૧૦૩૦ હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રન-વેની ૨૬૦૦ મીટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જયારે બાકીના વધારાના રન-વે માટે નદી પર જરુરી બોક્સ કલવર્ટની ૩૦૦ મોટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે. બાઉન્ડ્રી વોલની કામગીરી ૬૦ ટકા, જમીન સમથળ કરવાની કામગીરી ૭૨ ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ચુકી છે.

ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ કરાશે. એરપોર્ટની નિર્માણની કામગીરી ૨૪x૭ અવિરત ચાલી રહી છે, જેમાં ૬૦૦ થી વધુ લોકો હાલ અગ્રિમતાના ધોરણે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટની ૬૪ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીએ આપી હતી.

આ સમાચારને શેર કરો