Placeholder canvas

રાજકોટ:જૂના એરપોર્ટ પરથી 08/09 છેલ્લી ફ્લાઈટ ઉડશે અને નવા એરપોર્ટ પરથી 10/09 પહેલી ફ્લાઈટ ભરશે ઉડાન…

રાજકોટની ભાગોળે હિરાસર ગામે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ 27 જૂલાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે ઉદ્ઘાટન થયાના દોઢ મહિના પછી નવા એરપોર્ટ પરથી ફ્લાઈટનું સંચાલન શરૂ થનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા એવી જાહેરાત કરાઈ છે કે આગામી 10 સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન નવા એરપોર્ટ પરથી થશે અને જૂના એરપોર્ટ પરથી આઠ સપ્ટેમ્બરે છેલ્લી ફ્લાઈટ ઉડાન ભરશે

જ્યારે તેના પછીના દિવસ એટલે કે નવ સપ્ટેમ્બરે એરપોર્ટ પર ફ્લાઈટનું સંચાલન બંધ રહેશે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (એન્જિનિયરિંગ) જી.પ્રભરન દ્વારા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર સુનિલકુમાર શર્માને સર્ટિફિકેટ ફાળવવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે નવું એરપોર્ટ ડોમેસ્ટિક ફ્લાઈટના સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યું છે અને હવે અહીંથી ફ્લાઈટની ઉડાન ભરી શકાય તેમ છે.

આ સર્ટિફિકેટ મળી ગયા બાદ રાજકોટ એરપોર્ટ દ્વારા 10 સપ્ટેમ્બરથી નવા એરપોર્ટ પરથી જ તમામ પ્રકારની ફ્લાઈટનું સંચાલન કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે અત્યારે તૈયારીઓનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે. બીજી બાજુ જૂનું એરપોર્ટ કે જ્યાં અત્યાર સુધીમાં લાખો મુસાફરોએ ઉડાન ભરી છે તેને આઠ સપ્ટેમ્બરે બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત નવ સપ્ટેમ્બરે રાજકોટમાં એક પણ ફ્લાઈટનું સંચાલન નહીં થાય અને દસ સપ્ટેમ્બરથી તમામ મુસાફરોએ હિરાસરથી જ ફ્લાઈટ પકડવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા એરપોર્ટનું ઉદ્ઘાટન થયું છે ત્યારથી લઈને આજ સુધીમાં દરેક મુસાફરોને ટિકિટ ઉપર નવા એરપોર્ટ પરથી જ ફ્લાઈટ પકડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાને કારણે અનેક મુસાફરો ગોટે ચડ્યા હતા. જો કે હવે ફાઈનલી 10 સપ્ટેમ્બરથી નવું એરપોર્ટ કાર્યરત થઈ જનાર હોવાને કારણે મુસાફરોએ સીધું હિરાસર ખાતે જ પહોંચવું પડશે. બીજી બાજુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા 8 સપ્ટેમ્બરે જૂના એરપોર્ટનો કબજો ગુજરાત એવિએશન મંત્રાલયને સોંપી દેવામાં આવશે.

અત્યારે એરપોર્ટના તમામ કર્મચારીઓની નોકરી જૂના એરપોર્ટ પર રહે છે પરંતુ તેમની હાજરી નવા એરપોર્ટ પર જ બોલી રહી છે ત્યારે 10 સપ્ટેમ્બરથી 150 જેટલા કાયમી અને કરાર આધારિત કર્મચારીઓએ હિરાસર જ નોકરી કરવાની રહેશે. એકંદરે મુસાફરોની સાથે સાથે કર્મચારીઓને પણ નવા એરપોર્ટ પર પહોંચવા માટે લાંબું અંતર કાપવું પડશે. ઓથોરિટી દ્વારા કર્મીઓની અવર-જવર માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો