ભારે વરસાદથી રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન, સરકાર પૂરતી સહાય આપે. -રાજકોટ કિશાન સંઘ
ક્યાંક ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે તો ક્યાંક ખેતરમાં ઉભા પાકને નુકસાન થયું
એકાદ અઠવાડિયા પહેલા પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા નવી સરકાર પાસે વહેલી તકે પૂરતી સહાયની માગ કરવામાં આવી રહી છે. રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું છે કે, ભારે વરસાદથી રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. આથી નવી સરકાર વહેલી તકે સર્વે પૂર્ણ કરી પૂરતી સહાય કરે તેવી અમારી માગ છે.
મુશળધાર વરસાદથી ખેડૂતોની જમીન ધોવાઇ
જામનગર અને રાજકોટ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસતા ક્યાંક ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે તો ક્યાંક ખેતરમાં ઉભા પાકને નુકસાન થયા હોવાનું સામે આવી રહ્યું છે.ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપ સખીયાએ ભારે વરસાદ પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં જલ્દીથી સર્વે પૂર્ણ કરી વહેલી તકે પૂરતી સહાય ખેડૂતોને આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
કપાસ, ડુંગળી અને મગફળીના પાકને મોટુ નુકસાન
રાજકોટ અને જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. જેમાં ખેતરમાં ઉભા પાકમાં કપાસ, ડુંગળી અને મગફળીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેટલીક જગ્યાએ ખેતરો ધોવાય ગયા છે તો આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી પૂરતી અને યોગ્ય સહાય જલ્દીથી ખેડૂતોને આપવામાં આવે તેવી ખેડૂત આગેવાનોએ માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લાના જ ધારાસભ્ય અને વતની છે. ત્યારે તેઓ પણ આ વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ છે અને તેઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે. ત્યારે સર્વે બાદ યોગ્ય સહાય અપાવવામાં નવા કૃષિમંત્રી કેટલા સફળ નીવડે છે તે જોવું રહ્યું?