skip to content

રાજીનામાનો ઢગલો : ઇનામદારના સમર્થનમાં નગરપાલિકા, તાલુકા પંચાયતના સભ્યોનાં રાજીનામાં

સાવલી નગરપાલિકાના 24 સભ્યો, તાલુકા પંચાયતના 17 સભ્યોએ કેતન ઇનામદારના સમર્થનમાં રાજીનામાં ધરી દીધા.વડોદરા : બુધવારે સાંજે અચાનક સાવલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું હતું. ધારાસભ્યના અચાનક રાજીનામાંથી ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદમાં કેતન ઇનામદારને મનાવવા માટેના પ્રયાસો શરૂ કરાયા હતા. જોકે, કેતન ઇનામદાર માને તે પહેલા જ મધ્ય ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતી બીજી ઘટના બની છે. કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકા, તાલુકા પંચાયત અને વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોએ રાજીનામાં ધરી દીધા છે.

મળતી માહિતી પ્રમાણે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના 23 સભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. આ ઉપરાંત સાવલી તાલુકા પંચાયતના 17 જેટલા સભ્યો અને વડોદરા જિલ્લા પંચાયતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધા છે. રાજીનામું આપનાર સભ્યોના કહેવા પ્રમાણે તેમણે કેતન ઇનામદારના સમર્થનમાં રાજીનામાં ધરી દીધા છે.

રાજીનામું આપનાર તાલુકા પંચાયતના સભ્યોના કહેવા પ્રમાણે સાવલીમાં અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે. અહીં વિકાસના કોઈ કામ થઈ રહ્યા નથી. સાવલી નગરપાલિકાનું વીજ કનેક્શન પણ કપાય ગયું છે. આ મામલે અધિકારીઓ અને મંત્રીઓને રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. આ ઉપરાંત 34 ગામમાં ડીપ ઇરિગેશન માટે નહેર આપવાની માંગણી પણ ઘણા દીવસોથી પડતર છે.

બુધવારે ઈનામદારે પોતાના ત્યાગપત્રમાં લખ્યું કે ‘વહીવટીતંત્રના સંકલન તેમજ ઉદાસીનતાના અભાવે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળવાતા હોવાથી તેમજ સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે.’

આ સમાચારને શેર કરો