એકને માન મનાવ્યા ત્યાં બીજા રૂઠીયા: BJPના MLA મધુ શ્રીવાસ્તવ નારાજ..!!
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું, ‘મંત્રી કૌશિક પટેલ કામની મંજૂરી નથી આપતા, કોણીએ ગોળ લગાવ્યો છે’ અને ‘મહિલા ધારાસભ્યોને પણ મંત્રીઓ અધિકારીઓ ધક્કા ખવરાવે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગાંધીનગરમાં પૂનમ ભરે છે’
વડોદરા : વડોદરા ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારની નારાજગીને ભાજપ માંડ પહોંચ વળ્યો હતો ત્યાં બીજા ધારાસભ્ય નારાજ થઈ ગયા છે, હવે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી છે. મધુ શ્રીવાસ્તવે સરકારના મહેસૂલ વિભાગના કામો ન થતા હોવાની રાવ નાખીને પત્રકારો સામે પોતાની નારાજગી દર્શાવી છે. ભારતીય જનતા પાર્ટી માટે મધુ શ્રીવાસ્તવની નારાજગી નવો પડકાર ઉભો કરી શકે છે. શ્રીવાસ્તવ વાઘોડિયા વિધાનસભા પરથી છઠ્ઠી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. મઘુ શ્રીવાસ્તવ અગાઉ પણ નારાજ હતા અને કેતન ઈનામદાર સાથે સરકાર સામે મોરચો ખોલી બેઠા હતા.
મધુ શ્રીવાસ્તવે પત્રકારોને જણાવ્યું, “ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના મતવિસ્તારના કામો લઈ જાય છે તે થાય છે અને નથી પણ થતા. શહેરના મહાદેવ તળાવ વિસ્તારમાં મેં બજરંગબલીની સ્ટિલની મૂર્તિ મૂકવાનો નિર્ધાર કર્યો છે. મેં કોન્ટ્રાક્ટરને પણ પૈસા ચુકવ્યા છે. મૂર્તિના 80 લાખ રૂપિયા પણ ચુકવી દીધા છે. મારૂં 40 ટકા કામ થઈ ગયું છે. વડોદરા કોર્પોરેશન, કલેક્ટરે મંજૂરી આપી છે. ગાંધીનગર અભિપ્રાય માટે ફાઇલ મોકલી છે. મંત્રી મને કે છે મંજૂરી કરી આપીશ, મંજૂરી કરી આપીશ. મેં છેલ્લે મંત્રીને કહ્યું કે મારી પોતાની ફાઇલ નથી કે સંપત્તિની ફાઇલ નથી. હું છેલ્લીવાર તમને કેવા આવ્યો છે. તમે મંજૂર કરો કે ન કરો તો હું ધર્મનું કામ લઈને બેઠો છું શ્વાસ ચાલશે ત્યાં સુધી ધર્મનું કામ કરીશ તમે મંજૂર નહીં કરો તો પણ મૂર્તિ મૂકીશ. આ મધુશ્રીવાસ્તવ છે. ”
મધુ શ્રીવાસ્તવે ઉમેર્યુ કે ‘પહેલાં જ્યારે કામો નહોતા થતા ત્યારે મુખ્યમંત્રીને વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલા કામો નથી થતા. અધિકારીઓ મંત્રીઓ ગાઠતા નથી. મેદાને પડીશું ત્યારે કેવડાવીશું કે કેટલા નારાજ છે અને કેટલા નારાજ નથી’
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે ‘મારે ધર્મનું કામ કરવાનું છે. હું જ્યાં સુધી જિવતો રહ્યો ત્યાં સુધી ધર્મનું કામ કરતો રહીશ. તમે મંજૂરી આપો કે ન આપો. પરમિશન ન આપે તો મારૂ રાજીનામું આપી દઈશ. આ મારા ઘરનું કામ નથી. ધર્મનું કામ છે.’
મધુ શ્રીવાસ્તવ કોણીએ ગોળ ચોંટાડી રહ્યા છે. તમે ખાસ કિસ્સામાં પણ મંજૂરી આપી શકો છો. અધિકારીઓ ધક્કા ખવડાવે છે. મહિલા ધારાસભ્યો પણ રાજીનામા આપી દેશે. મે મારા દીકરાના નામે ટ્રસ્ટ બનાવ્યું છે, વ્હાઇટના પૈસા આપ્યા છે. દીકરાના નામે ટ્રસ્ટ છે. હું મૂર્તિ મૂકીશ.