Placeholder canvas

નૂતન વર્ષાભિનંદન: આજે આનંદ-ઉલ્લાસ સાથે ઉજવાશે નૂતન વર્ષનું મંગલ પર્વ

આવતીકાલ તા.૧૪ને મંગળવારથી વિક્રમ સંવત ૨૦૮૦નો મંગલ પ્રારંભ થશે, વીતેલા વર્ષ દરમ્યાના આનંદ-ઉલ્લાસ અને મંગલમય દિવસો જે પ્રકારે પસાર થયા છે તેનાથી સવાયા હર્ષોલ્લાસભર્યા માનવ સંબંધો વિકસે તેવી ભાવના સાથે નવા વર્ષનો પ્રારંભ થશે, દિવસ દરમ્યાન સૌ એક બીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવી નવા વર્ષની શુભકામના વ્યકત કરશે. નવા વર્ષના મંગલ પ્રભાતે દેવ મંદિરોમાં સંખ્યાબંધ સૌને શીશ નમાવી નિરામય જીવનની મંગલમય પ્રાર્થના કરશે. ફુલગુલાબી ઠંડીના માહોલમાં વિક્રમ સંવત ૨૦૮૦નો પ્રારંભ થશે.

સૌરાષ્ટ્રની પ્રજા સૌકાઓથી ધર્મપ્રેમી અને સંસ્કારી રહી છે. અહીં દરેક વ્રત અને તહેવારોની ઉજવણી આનંદસભર માહોલમાં થાય છે. સંધ્યા-ભકિતનાં કાર્યક્રમોથી ગુંજતી આ ધરા ઉપર ૨૦૮૦ના મંગલ પ્રારંભ સાથે ગામે-ગામ લોકો વહેલી સવારે પરસ્પર પરિચિતો, સગા-સંબંધી અને સ્નેહીજનોને નવા વર્ષની શુભકામના પાઠવવા માટે નીકળી પડશે, શહેરોમાં લોકો જાણીતા દેવ મંદિરોમાં દર્શન કરી આખો દિવસ એક બીજાનાં ઘેર જઇ નવા વર્ષના સાલ મુબારક પાઠવી નવા વર્ષનો આરંભ કરશે. નાના-મોટા સૌ માટે નવા વર્ષનો પ્રથમ દિવસ સારા કાર્યના શુભ સંકલ્પો માટે વિશિષ્ટ બની રહેશે,

મંદિરોમાં નૂતન વર્ષનાં પ્રારંભ સાથે ભગવાનને વિવિધ પ્રકારના ણશગાર થશે. ઝળહળતી રોશનીથી સુશોભિત ધર્મસ્થાનકોમાં અન્નકૂટના દર્શન યોજાશે, મંદિર-તિર્થસ્થાનો અને ધર્મસ્થાનકો નૂતન વર્ષનાં મંગલમય પ્રભાતે શ્રધ્ધાળુ-ભાવિકો મોટી સંખ્યામાં ઉમટશે. નવા-નવા કપડા પહેરી સૌ એકબીજાને મોં મીઠા કરાવી નવા વર્ષનો પ્રારંભ કરશે. આખ વર્ષ દરમિયાન સંબંધોમાં આવેલા ચડાવ-ઉતારને વિસરી જઇ નૂતન વર્ષ સમગ્ર પરિવારની મંગલ કામના માટે ભાવસભર બની રહેશે.

દિવાળીનાં દિવસો દરમ્યાન ધૂમ-ધડાકા સાથે ફટાકડા ફોડા હર્ષો-ઉલ્લાસ સાથે તહેવારોની ઉજવણી કર્યા બાદ નૂતન વર્ષે નવા સંકલ્પોનું સાક્ષી બનશે. હરવા-ફરવાનાં સ્થળોએ લોકો મોટી સંખ્યામાં ઉમટશે. બપોર બાદ પરિવાર સાથે લોકો નજીકનાં સ્થળોએ જઇ નૂતન વર્ષના પારિવારિક મિલનને મનભરીને માણશે. જુદા-જુદા અનેક સ્થળોએ આયોજિત સ્નેહ-મિલનનાં કાર્યક્રમોની શ્રૂંખલા સમગ્ર સપ્તાહ દરમ્યાન યોજતા રહેશે. નૂતન વર્ષનો ઉત્સાહ લોકોમાં લાભ પાંચમ સુધી જોવા મળશે.

કપ્તાન પરિવાર તરફથી સૌને આથી શરૂ થતા નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ….

🌸 નૂતન વર્ષાભિનંદન 🌸

આ સમાચારને શેર કરો